પાટણના આઠબા મંદિર નજીક સાત વર્ષ પહેલા એઠવાડ નાખવાના મુદ્દે થયેલી મારામારીના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. પાટણની જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ સંજય ઓ.ગર્ગે ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે.
.
ઘટના 24 માર્ચ 2018ની છે. કંકુબેન પટણીના પુત્રવધૂએ ગાયને ખવડાવવા માટે ઘર આગળ રસ્તામાં એઠવાડ નાખ્યો હતો. આ બાબતે તેમના જ સમાજના રમેશભાઈ કરશનભાઈ, રાજુભાઈ કરશનભાઈ, ભરતભાઈ કરશનભાઈ અને રોહિતભાઈ રમેશભાઈ લાકડી સાથે આવ્યા હતા. તેમણે કંકુબેન અને તેમના પરિવારને ગાળો બોલી હતી.
કંકુબેનના પતિએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચારેય જણા ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે લાકડીથી કંકુબેનના દીકરા અને અન્યોને માર માર્યો હતો. જેમાં ઈજાઓ થઈ હતી.
કોર્ટે ત્રણ આરોપીઓ રાજુ, ભરત અને રોહિતને દોષિત ઠેરવ્યા છે. દરેકને 6 માસની સાદી કેદ અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ચોથા આરોપી રમેશભાઈનું કેસ દરમિયાન અવસાન થયું હોવાથી તેમનો કેસ એબેટ કરવામાં આવ્યો છે. આ કેસમાં મહિલા સરકારી વકીલ વંદનાબેન ચૌહાણે રજૂઆત કરી હતી.