રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનામાં જ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. જ્યાં અમદાવાદમાં મંગળવારે તાપમાન 7 કલાકમાં જ 13.2 ડિગ્રી ઊંચકાતા લોકોનું બપોર
.
અમદાવાદમાં મંગળવારે સવારે 8.30 વાગ્યે ગરમીનો પારો 28 ડિગ્રીએ પહોંચી ગયો હતો. એ પછી 7 કલાકમાં એટલે બપોરે 3.30 વાગ્યે ગરમી 41.2 ડિગ્રીની ટોચે પહોંચી હતી. આમ આ 7 કલાકના સમયગાળામાં જ પારો 13.2 ડિગ્રી ઊંચકાયો હતો.
હજી તો ઉનાળાની શરૂઆત જ છે અને આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની પૂરી શક્યતા છે. ત્યારે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને લોકોને હીટવેવમાં રાહત મળે તે માટે જરુરી પગલાં લેવાનું શરૂ કર્યું છે.
આજે 9 જિલ્લા ઓરેન્જ અને 3 જિલ્લામાં યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ
- અમદાવાદ
- ગાંધીનગર
- આણંદ
- કચ્છ
- બનાસકાંઠા
- મોરબી
- સુરેન્દ્રનગર
- રાજકોટ
- સુરત
યલો એલર્ટ
- પોરબંદર
- ભાવનગર
- સાબરકાંઠા
11 માર્ચે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યમાં છેલ્લા બે દિવસથી ગરમી લોકોને અકળાવી રહી છે. આજે 42.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ છે. 14 જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું હતું.
મહત્વના શહેરોમાં 11 માર્ચે નોંધાયેલું તાપમાન
- અમદાવાદ 41.2 ડિગ્રી
- સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી
- ડીસા 41.6 ડિગ્રી
- ગાંધીનગર 41.2 ડિગ્રી
- વલ્લભ વિદ્યાનગર 41.9 ડિગ્રી
- ભુજ 42.4 ડિગ્રી
- વડોદરામાં 41.2 ડિગ્રી
- નલિયામાં 41.4 ડિગ્રી
- અમરેલીમાં 41.6 ડિગ્રી
- પોરબંદરમાં 41 ડિગ્રી
- રાજકોટમાં 42.3 ડિગ્રી
- કેશોદમાં 41.9 ડિગ્રી
કેમ સૂર્યનાં સીધાં કિરણો દઝાડી રહ્યાં છે? આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર હાલમાં ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન આવી રહ્યા છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્ય ઉપર કોઈપણ પ્રકારની સિસ્ટમની અસર વર્તાશે નહીં, તેથી સૂર્યનાં સીધાં કિરણો ગુજરાત તરફ આવી રહ્યાં છે. જેને કારણે તાપમાનનું પ્રમાણ વધ્યું છે. 48 કલાક બાદ વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરને કારણે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો આવી શકે છે. જેથી ગરમીથી આંશિક રાહત મળવાની શક્યતા છે. પરંતુ આગામી 48 કલાક દરમિયાન અનેક જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચશે તથા હીટવેવની અતિશય ગંભીર અસરો વર્તાશે.

AMCનો હીટ એક્શન પ્લાન તૈયાર, સવારે 11થી સાંજે 5 સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
- બીઆરટીએસ, એએમટીએસમાં પાણી, ઓઆરએસ ઉપલબ્ધ કરાશે, ડ્રાઇવર કંડક્ટર પાસે પણ ઓઆરએસ ઉપલબ્ધ હશે.
- મોટા ડેપો પર ગ્રીન નેટ, કૂલર, પંખાની સુવિધા ઉપલબ્ધ હશે.
- શાળાઓમાં વિશેષ રીતે પાણી પીવા માટે દોઢ કલાકે બેલ વગાડાશે, રેડ એલર્ટ દરમિયાન શાળાના સમય બદલાશે
- બગીચા સવારના 6થી રાત્રે 11 સુધી ખુલ્લા રહેશે
- ચારરસ્તા પર ગ્રીન નેટ બંધાશે
- AMC સંચાલિત જનરલ હોસ્પિટલ તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ગરમીને લગતી બીમારી તેમજ હીટ સ્ટ્રોકના કેસોને પહોંચી વળવા અલાયદી વ્યવસ્થા
- ટ્રાફિક જંક્શન પર ગ્રીન નેટ બંધાશે, 11થી 5 દરમિયાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે
- તમામ અર્બન હેલ્થ સેન્ટર તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ. સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. તેમજ આંગણવાડી સેન્ટર પર ઓ.આર.એસ. ઉપલબ્ધ
- જુદી જુદી સામાજિક સંસ્થાના સહયોગથી તમામ ઝોનમાં પાણીની પરબો શરૂ કરાશે
- ટ્રાફિક પોલીસ વિભાગને ઓ.આર.એસ. પેકેટ્સ પૂરા પડાશે
અમદાવાદની એલજી અને શારદાબેન હોસ્પિટલમાં હીટસ્ટ્રોક વોર્ડ તૈયાર કરાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત મણીનગર એલજી હોસ્પિટલ, સરસપુર શારદાબેન હોસ્પિટલ સહિતની હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. 10 જેટલા બેડ વાળો આ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જે પણ વ્યક્તિને ખૂબ જ વધારે ગરમી ચક્કર આવવા કે લુ લાગે છે. તેને આ વોર્ડમાં દાખલ કરવામાં આવે છે તેની અલગ અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આઈસ બોક્સ પણ આ વોર્ડમાં રાખવામાં આવે છે જેના કારણે તેને વધારે ગરમીનો સાંભળો કરવો પડે નહીં તેમજ એસી પણ લગાવવામાં આવે છે.
સુરત મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે લીધેલ પગલાં શહેરની તમામ હોસ્પિટલો, શહેરી આરોગ્ય કેન્દ્રો/શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો, સ્મીમેર હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ તથા મસ્કતિ હોસ્પિટલને હીટવેવ મેનેજમેન્ટ અંગેની માર્ગદર્શિકા આપવામાં આવેલ છે તથા નેશનલ પ્રોગ્રામ ઓન કલાઈમેટ ચેન્જ એન્ડ હુમન હેલ્થ (NPCCHH) અંતર્ગત ઇન્ટીગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ (IHIP)માં હીટ-સંબંધિત બીમારી (HRI) અને મરણનું દૈનિક રીપોર્ટીંગ કરવા જણાવવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત તમામ ODD પર હીટ-સંબંધિત બીમારી (HRI)ની IEC કરવામાં આવેલ છે. હોર્ડિંગ્સ, બેનર, પત્રિકાનું વિતરણ, ટીવી સ્ક્રોલ વગેરે દ્વારા હીટ-સંબંધિત બીમારી (HRI)ની IEC કરવામાં આવ્યું છે.તમામ શહેરી આરોગ્ય કેન્દ્રો/શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રો પર LED ડિસ્પ્લે યુનિટ પીઆર વીડિયો અને PPT દ્વારા તથા ORS કોર્નર બનાવી નાગરિકોને હીટ-સંબંધિત બીમારી (HRI) વિશે માહિતગાર કરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાએથી મોકલવામાં આવતા હીટવેવ ને લગતા એલર્ટ મુજબ લોકોને સાવધ રહેવા માટે જણાવવામાં આવે છે.
લોકોને બપોરે કામ વગર બહાર ન નીકળવા અપીલ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણીએ જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને ખાસ અપીલ કરવાની કે યલો એલર્ટ દરમિયાન બપોરના સમયે 1 થી 3 વાગ્યા સુધી બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું જોઈએ. આ ઉપરાંત ટોપી ચશ્મા રૂમાલ નો ઉપયોગ કરવો તેમજ શરીર ઢંકાઈ તેવા વસ્ત્રો પહેરવા જોઈએ. દર એક કલાકે એક ગ્લાસ પાણી પીવાનું રાખવું જોઈએ જેથી કરીને શરીરમાં ડી હાઇડ્રેશન અસર ન સર્જાય. છાશ, લીંબુ પાણી, જ્યુસ, નાળિયેર પાણી અને શેરડીના રસનું સેવન કરવું જોઈએ અને ભરપેટ ભોજન લેવાનું ટાળવું જોઈએ. ઉલ્લેખનીય છે કે કોઈ પણ સાઇટ ઉપર મજૂરી કામ કરતા લોકોને પણ બપોરના સમયે 1 થી 3 વાગ્યા સુધી કામ બંધ રાખી છાંયડામાં બેસવા અપીલ કરવામાં આવી રહી છે.
રાજકોટમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવા માગ રાજકોટના રહેવાસી ડો. દિશાંક કાનાબારએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં સતત તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે અને ગરમી સતત વધી રહી છે લોકોને ઘરની બહાર નીકળવા માટે વિચાર કરવો પડી રહ્યો છે. રાજકોટ પોલીસને મારી અપીલ છે કે પાછલા વર્ષોની જેમ આ વર્ષે પણ બપોરના 1 થી 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવામાં આવ તો લોકોને આવા 41 ડિગ્રી તાપમાનમાં સિગ્નલ પર ઉભા રહેવું ન પડે યલો એલર્ટ જાહેર થઇ ચૂક્યું છે અને સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવાથી કદાચ લુ લાગવાના અને ડીહાઇડ્રેશન થવાના બનાવ બની શકે છે માટે લોકો વતી પોલીસને મારી અપીલ છે કે બપોરના સમયે સિગ્નલ બંધ કરવામાં આવે.
લૂ કે હીટવેવ શું છે? જવાબ- IMD (ભારત હવામાન વિભાગ) અનુસાર, જ્યારે મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને પહાડી વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, ત્યારે ગરમ હવા ફૂંકાવા લાગે છે. જો કોઈપણ વિસ્તારમાં તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે, તો તેને હીટવેવની ખતરનાક શ્રેણી માનવામાં આવે છે.

ગરમીમાં લોકો બહાર નીકળતા હોય છે અને તેના કારણે કેટલીકવાર બીમારીનો ભોગ બનતા હોય છે. ત્યારે ગરમી દરમિયાન કોણે ક્યારે બહાર નીકળવું, શું ધ્યાન રાખવું, શું કરવું શું નહીં આવો જાણીએ નિષ્ણાત પાસેથી…
સગર્ભા માતા, નાનાં બાળકો, વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું આ અંગે ડોક્ટર રાજેશ શાહે જણાવ્યું હતું કે, હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆત થાય એટલે આપણે કેટલીક કાળજી રાખવી વિશેષ જરૂરી હોય છે. ખાસ કરીને સગર્ભા માતા, નાનાં બાળકો અને ઉંમરવાળા વ્યક્તિઓ કે જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એમાં આપણે ખાસ કાળજી વધારે રાખવાની જરૂરિયાત હોય છે.

ચામડીના રોગોથી બચવા શું કરવું? ગરમીમાં ખાસ કરીને ચામડીના રોગો કે ફંગલ ઇન્ફેક્શન કહીએ છીએ તેમાં પણ સતત વધારો થતો હોય છે. જેના કારણે સ્કિન ભીની રહે છે અને પરસેવો વધારે આવે છે. જેના કારણે ચામડીના રોગોમાં વધારો થાય છે. જેથી ફૂગજન્ય રોગચાળામાં વધારો થતો હોય છે. તેથી બે ટાઈમ અવશ્ય સ્નાન કરવું જોઈએ જેથી આવા ચામડીના રોગોથી બચી શકાય છે.
