પ્રતિકાત્મક તસવીર |
Patan News : પાટણના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામના તળાવમાં ડૂબી જવાથી બાળકો સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનામાં એક જ પરિવારના બાળકો સહિત માતાનું મોત નીપજ્યું. એક વ્યક્તિ લપસીને તળાવમાં પડતા અન્ય લોકો તેને બચાવવા પડ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવીને તળાવમાં ડૂબનારાને બહાર કાઢીને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે સર્જાઈ હૃદયદ્રાવક દુર્ઘટના
મળતી માહિતી મુજબ, ચાણસ્મા તાલુકાના વડાવલી ગામ ખાતે હચમચાવી દેતી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ગામના તળાવમાં એક વ્યક્તિ લપસી ગયા બાદ તેને બચાવવા જતાં અન્ય ચાર લોકો તળાવમાં ડૂબ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા તળાવમાં ડૂબેલા બાળકો સહિતના લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવને લઈને તંત્રને જાણ કરવામાં આવી હતી.
તળાવમાં ડૂબવાથી પાંચના મોત
સમગ્ર ઘટનામાં બાળકો સહિત ગ્રામ પંચાયતના પટાવાળાના પુત્રનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં મેહરા કાલુભાઈ મલેક (ઉં.વ.8), અબ્દુલ કાદિર કાલુભાઈ મલેક (ઉં.વ.10), સિમરન સલીમભાઈ સિપાહી (ઉં.વ.12), સોહેલ રહીમભાઈ કુરેશી (ઉં.વ.14), ફિરોઝા કાલુભાઈ મલેક (ઉં.વ.32)નું મોત નીપજ્યું હતું. દુર્ઘટના બનતા ગામમાં શોકનો મહાલો છવાયો હતો. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા.