સુરત શહેરમાં મહિલાઓ અને કિશોરીઓની સુરક્ષાને લઈ કોર્ટ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યા છે. પાલનપોર જકાતનાકા અને કાપોદ્રા વિસ્તારમાં થયેલા બે અલગ-અલગ છેડતીના કેસોમાં ન્યાયાલયે આરોપીઓને સજા સંભળાવી છે. એક કેસમાં 14 વર્ષની કિશોરી સાથે બળજબરી કરનારા મજૂરને
.
કિશોરીની છેડતી કરનાર મજૂરને પાંચ વર્ષની સજા પાલનપોર જકાતનાકા વિસ્તારમાં 14 વર્ષીય કિશોરીની છેડતી કરનારા 39 વર્ષીય મજૂરને કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી છે. બીજા અધિક સત્ર ન્યાયાધીશ શકુંતલા નરેશ સોલંકીની કોર્ટે ચુકાદામાં જણાવ્યું કે, “આ પ્રકારના ગુનાઓ અટકાવવા અને સમાજમાં બાળાઓ સુરક્ષિત રહે એ જોવાં અદાલતની પવિત્ર ફરજ છે, તેથી આરોપીને કોઈ પણ પ્રકારનો રાહતનો લાભ મળી શકે નહીં.” 18મી જૂન, 2024ના રોજ 14 વર્ષની કિશોરી ઘરે એકલી હતી. ઉપર જ રહેતા રાધેશ્યામ જીવલાલ નિષાદ નામના 39 વર્ષીય મજૂર ઘરમાં ઘૂસી ગયો અને કિશોરી સાથે બળજબરી કરી હતી. કિશોરીએ બૂમાબૂમ કરતાં આરોપીએ કાચની બોટલ ફેંકી હતી, પણ આજુબાજુના લોકો આવી જતા તેમને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોલીસે ચાર્જશીટ દાખલ કર્યા બાદ આજે કોર્ટ દ્વારા આરોપીને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
17 વર્ષીય કિશોરીને બળજબરીથી બાઇક પર બેસાડનારને બે વર્ષની સજા કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષીય કોલેજ વિદ્યાર્થિનીને બળજબરીથી બાઇક પર બેસાડવાના પ્રયાસમાં આરોપીને બે વર્ષની સજા ફટકારાઈ છે. જોકે, કોર્ટ દ્વારા આ સજા સામે 30 દિવસમાં અપીલ કરવાની છૂટ આપવામાં આવી છે. 4 માર્ચ, 2024ના રોજ કિશોરી આશાદીપ સ્કૂલ નજીકથી પસાર થઈ રહી હતી. નિલેશ ધીરુ રાદડીયા (રહે. ધર્મનંદન એપાર્ટમેન્ટ, સરથાણા, મૂળ રહે. અમરેલી) નામનો યુવક બાઇક પર આવી, એડ્રેસ પૂછ્યા બાદ કિશોરીને બળજબરીથી બાઇક પર બેસાડવાનો પ્રયાસ કર્યો. કિશોરીએ વિરોધ કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. કોર્ટ દ્વારા આજે આરોપીને બે વર્ષની સજા ફટકારવામાં આવી છે.
NSUI પ્રમુખ સહિત 5ની જામીન અરજી નામંજૂર સુરતમાં શૈક્ષણિક સંસ્થાને બદનામ કરી 1 કરોડની ખંડણી માંગવાના કેસમાં સંડોવાયેલા એનએસયુઆઈના શહેર પ્રમુખ સહિત 5 સભ્યોએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. આરોપીઓએ રેડ એન્ડ વ્હાઇટ મલ્ટીમીડિયા ઇન્સ્ટિટ્યુટ, કેયુર વરસડિયા ક્રિએટિવ ડિઝાઇન અને એડિટેક ઇન્સ્ટિટ્યુટ સામે ખોટી માર્કશીટ અને ડિગ્રી આપવાનું આરોપ મૂક્યું હતું. આ આરોપ લગાવી 1 કરોડ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. પોલીસે આરોપીઓને પાંચ લાખ લેતા ઝડપી પાડ્યા હતા. ફરિયાદી તરફથી એડવોકેટ યાહ્યા મુખત્યાર શેખે દલીલ કરી, જે પછી કોર્ટે જામીન અરજી નામંજૂર કરી.
સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી એક આરોપી ફરાર વલસાડ જિલ્લા પોલીસ મથકના પોકસોના ગુનાના આરોપીને મેડિકલ તપાસ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જે દરમ્યાન પોલીસ ઝાપટાના માણસોને હાથતાળી આપી આરોપી ફરાર થઈ ગયો હતો. આ મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.