આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ-વિદેશ સહિતના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્લાવર શોનું 1 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ
.
વર્ષ 2025માં ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડ થશે સેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં આ વર્ષે ફ્લાવર શોમાં સ્કલપચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો જેનાથી 6.52 કરોડની આવક થઈ હતી. જાન્યુઆરી 2024માં ફ્લાવર શોનો ખર્ચ 11.44 કરોડ થયો હતો. જ્યારે 2025માં ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થશે.
વર્ષ 2025માં એન્ટ્રી ફી રૂપિયા 70થી 100 વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દર વર્ષે ફ્લાવર શોમાં ફૂડ સ્ટોલ અને જાહેરાતની આવક વધી છે. ફ્લાવર શો 2024માં ફૂડ સ્ટોલની આવક 73 લાખ થઈ હતી જેની સામે 2025માં 1.92 કરોડ થઈ છે. ફ્લાવર શો 2024માં જાહેરાતની આવક 29 લાખ થઈ હતી જેની સામે 2025માં 1.50 કરોડ થઈ હતી. ફ્લાવર શો 2024ની એન્ટ્રી ફી કરતા 2025ની એન્ટ્રી ફીમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. 2024માં એન્ટ્રી ફી રૂપિયા 50થી 70 રાખવામાં આવી હતી. જેની સામે 2025માં 12 વર્ષથી ઉપરના લોકો માટે સોમથી શુક્ર 70 રૂપિયા અને શનિ-રવિ દરમિયાન 100 રૂપિયા એન્ટ્રી ફી રાખવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવા આવે તેમાં પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહીં. જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે.
ફ્લાવર શોમાં VIP એન્ટ્રીનો ચાર્જ 500 કર્યો દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે અને ઘણી વખત ફ્લાવર શોમાં સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડે છે. જેથી ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9થી 10 અને રાત્રે 10થી 11 એમ બે કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી રૂપિયા 500 રાખવામાં આવી છે. જે લોકો ભીડભાડમાં આવવા ન માગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન તેમજ સિવિક સેન્ટર ઉપરથી પણ લોકો મેળવી શકશે. જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરની સામેના ભાગે પણ ફ્લાવર શોની ટિકિટ માટે ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે. જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ પણ મેળવી શકશે.
ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ લગાવાશે 7 લાખથી વધુ રોપા સાથે 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં ચાલુ વર્ષે 30થી વધુ એક્ઝોટિક (વિદેશી જાત) ફૂલો પણ જોવા મળશે. ફૂડ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે જેથી લોકો ફૂલછોડ રોપા સહિતની ચીજ વસ્તુઓ પણ ખરીદી શકશે.
ક્યા-ક્યા સ્કલપચર મૂકાશે?
- કમળ
- ગરબા કરતી મહિલાઓ
- ઓલમ્પિક રીંગ
- મોર
- હલક
- ડોરેમોન
- કુંગફુ પાંડા
- સિંહ- વાઘ
- ફાઈટિંગ બુલ્ક
- ગાંધીજીના ત્રણ વાંદરા
- એક પેડ મા કે નામ
PM મોદીએ ફ્લાવર શો નિહાળ્યો હતો 10 જાન્યુઅરી 2024ના બુધવારના રોજ વાઈબ્રન્ટ સમિટને લઈને ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જોકે, રાત્રે આઠ વાગ્યે તેઓ દિલ્હી પરત ફરવાના હતા, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અચાનક કાર્યક્રમ બદલ્યો હતો અને દિલ્હી જતાં પહેલાં તેમણે રિવરફ્રન્ટ ખાતે ચાલી રહેલા ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 20 ગાડીઓના કાફલા સાથે તેઓ અહીં અનઔપચારિક રીતે પહોંચ્યા હતા. અહીં તેમણે સંપૂર્ણ ફ્લાવર શો નિહાળ્યો હતો. આ ઉપરાંત નર્સરી સહિતના સ્ટોલ સંચાલકો સાથે પણ ચર્ચા કરી હતી.
નવી સંસદ, ચંદ્રયાન, મોઢેરા સૂર્ય મંદિરના સ્કલપ્ચર નિહાળ્યા હતા મુખ્યમંત્રી કે મેયર તેમજ ભાજપના એકપણ પદાધિકારીઓને સાથે રાખ્યા વિના તેમણે ફ્લાવર શો જોયો હતો. માત્ર મ્યુનિસિપલ કમિશનર થેન્નારસનને સાથે રાખ્યા હતા. અહીં તેમણે દરેક સ્કલ્પચર સાથે સેલ્ફી પણ લીધી હતી. ફ્લાવર શોમાં એકપણ મુલાકાતી નહીં હોવાથી તેમણે કમિશનરને પૂછ્યું હતું કે, મારા માટે ફ્લાવર શોમાંથી લોકોને કેમ બહાર કાઢ્યા?, કમિશનરે કહ્યું કે, આ નિર્ણય પોલીસનો હતો, પરંતુ જે લોકોને બહાર કાઢવામાં આવ્યા છે તે તમામને ગુરુવારે ફ્રીમાં પ્રવેશ અપાશે. ગિનિસી બુકમાં સ્થાન પામેલી દીવાલ પણ તેમણે ખાસ જોઈ હતી.
મોદીએ નર્સરીના સ્ટોર સંચાલકને પૂછ્યું, પેમેન્ટ ઓનલાઈન સ્વીકારો છો કે નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાવર શોની મુલાકાત દરમિયાન કમિશનર સાથે અલગ અલગ ચર્ચા કરી હતી. જેમાં એક ખાસ સૂચન કર્યું કે, ફ્લાવર શોને બિઝનેસ મોડલ કેવી રીતે બનાવી શકાય અને આ શૉ સાથે જોડાયેલા તમામની ઈકોનોમિ કેવી રીતે વિસ્તરી શકે તે અંગે વિચારવું જોઈએ. નર્સરીના સ્ટોલ માલિકો સાથે ચર્ચા કરતાં તેમણે પૂછ્યું હતું કે, તમારી નર્સરીમાં કયા કયા પ્રકારના રોપા વેચાય છે અને આ નર્સરીને હજુ પણ વધુ સારી રીતે ડેવલપ કરવા માટે તમારી પાસે કોઈ પ્લાન છે ખરો? અહીં તમે રોકડમાં જ પેમેન્ટ લઈ શકો છો કે ઓનલાઈન પેમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. શૉ દરમિયાન તમારા શૉ માટે કરાયેલું આયોજન યોગ્ય છે કે કેમ તે અંગે પણ પ્રશ્નો કર્યા હતા. મહત્તમ પેમેન્ટ ઓનલાઈન માધ્યમથી જ થાય તે માટે પણ વડાપ્રધાને આગ્રહ રાખ્યો હતો.