ભરૂચ એ ડિવિઝન પોલીસે વડોદરા ખાતેથી એક મોટા છેતરપિંડીના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ભરત મનજી ગઢાદરા ઉર્ફે ભરત મનજી પટેલ, જે દર્શન શાહ અને સ્નેહલ મોરડીયા તરીકે પણ ઓળખાય છે, તે છેલ્લા 12 વર્ષથી પોલીસથી ફરાર હતો.
.
આરોપીએ અંકલેશ્વર GIDCમાં જમીન સસ્તા ભાવે ખરીદ કરાવવાની અને ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચવાની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. ભરૂચ જિલ્લા પોલીસ વિભાગે નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.યુ.ગડરીયા અને કે.એમ. વ્યાસના માર્ગદર્શન હેઠળ, સર્વેલન્સ ટીમને મળેલી બાતમી અને ટેકનિકલ માહિતીના આધારે આરોપીને વડોદરાના આજવા ચોકડી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો.
પકડાયેલા આરોપી વિરુદ્ધ સુરત, બોટાદ, બાપોદ, અમરેલી અને નવસારી જિલ્લામાં પહેલેથી જ ગુના નોંધાયેલા છે. આરોપીને પકડ્યા બાદ વધુ તપાસ માટે અંકલેશ્વર GIDC પોલીસને સોંપવામાં આવ્યો છે. પોલીસની આ સફળતાથી લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં સફળતા મળી છે, જે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વનું પગલું સાબિત થયું છે.
