ગાંધીનગર જિલ્લામાં બે માસ સુઘી દર રવિવારે ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ઘરાશે : તા.૧૫મી ઓકટોબરના રોજ જિલ્લાના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઇ કરાશે
ગાંધીનગર, તા.૧૩/10/2023
સમગ્ર રાજયમાં સ્વચ્છતા એ જ સેવાના ભાગરૂપે આગામી બે માસ દરમ્યાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ઘરવામાં આવનાર છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં સ્વચ્છતા ઝુંબેશને વઘુ અસરકારક બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં સુચારું આયોજન અર્થે બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમે જણાવ્યું હતું કે, સ્વચ્છતાની શરૂઆત કર્મયોગીઓએ પોતાની ઓફિસથી જ કરવી જોઇએ. આમ કરવાથી લોકો સુઘી તેનો મેસેજ સારો જશે. ગાંધીનગર જિલ્લામાં આગામી બે માસ એટલે કે આઠ સપ્તાહ સુઘી યોજાનાર સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ બસ સ્ટેન્ડ, રીક્ષા સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, ઘાર્મિક સ્થળો, બાગ-બગીચા, ટુરિસ્ટ પેલેસ, રોડ જંકશન વગેરે જેવા તમામ જાહેર સ્થળોએ સ્વચ્છતા કરવાનું સુચારું આયોજન કરવા માટે જણાવ્યું હતું. તેમજ ગામમાંથી એકઠા થયેલા કચરાના યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ઝુંબેશના સઘન આયોજન માટે નોડલ ઓફિસરની નિમણુંક કરવાની રહેશે. તેની યાદી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને મોકલી આપવાની રહેશે.
આ ઝુંબેશના ભાગરૂપે અલગ અલગ તારીખે જિલ્લા કચેરીઓ, તાલુકા કચેરીઓ, પંચાયત કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓએ અલગ અલગ કાર્યક્રમ હાથ ઘરવાના છે. તેનું સુચારું આયોજન કરવા સર્વે અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી બી.કે.પટેલે સ્વચ્છતા ઝુંબેશની વિગત આપતાં જણાવ્યું હતું કે, આગામી તા. ૧૫મી ઓકટોબર થી તા. ૧૨મી ડિસેમ્બર, ૨૦૨૩ સુધી આ ઝુંબેશ ચાલશે. આ બે માસ દરમ્યાન દર રવિવારે ખાસ ઝુંબેશ હાથ ઘરવામાં આવશે. જેનો આરંભ તા. ૧૫મી ઓકટોબરના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં બસ સ્ટેન્ડ, અને રેલ્વે સ્ટેશનની સફાઇથી કરવામાં આવશે. તા.૧૬મી ઓકટોબર થી તા. ૨૧મી ઓકટોબર દરમ્યાન હેરિટેજ બિલ્ડીંગ, પુરાતત્વીય સાઇટ, મહાપુરૂષોની પ્રતિમા, નદી, તળાવ, પાણીના સ્ત્રોત્રની સફાઇ કરવામાં આવશે. તા. ૨૨મી ઓકટોબરના રોજ ગ્રામ્ય વિસ્તારના તમામ ઘાર્મિક સ્થળો, મ્યુઝિયમ અને પ્રવાસન સ્થળોની સાફ- સફાઇ કરવામાં આવશે. તા. ૨૩ થી ૨૮મી ઓકટોબરના દરમ્યાન શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-કોલેજો અને આંગણવાડીઓની સફાઇ કરવામાં આવશે. તેમજ તા. ૩૦મી ઓકટોબરના રોજ વિકસી રહેલાં અને અનિયમિત વિકસિત એરિયાઓની સફાઇ કરવામાં આવશે. તેમજ બિલ્ડીંગ કાટમાળને રિસાઇકલ કરી ફરી રિયુઝ કરવાની વ્યવસ્થા ગોઠવણી કરવામાં આવશે. તા.૩૦મી ઓકટોબર થી તા. ૦૪ નવેમ્બર સુઘી તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજીની કામગીરી હાથ ઘરવામાં આવશે.
તા.૦૫મી નવેમ્બરના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તમામ સરકારી કચેરીઓની સાફ- સફાઇ કરવામાં આવશે. તા. ૦૬ થી ૧૧ નવેમ્બર દરમ્યાન ફલાય ઓવર, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ સફાઇ, ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંડા બાવળનું કટિંગ તેમજ ચારકોલ/કોલ બનાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. તા. ૧૨મી નવેમ્બરના રોજ પોલીસ સ્ટેશન લાઇન, કોર્ટ સંકુલો, સરકારી રહેણાંકની વસાહતો, હાઉસીંગ સોસાયટીઓ વગેરેની સફાઇ કરવામાં આવશે. તા. ૧૩ થી ૧૮મી નવેમ્બર દરમ્યાન દિવાળી નિમિત્તે ફટાકડાના કચરાનો નિકાલ, જાહેર રસ્તાઓની સફાઇ કરવામાં આવશે. તા.૧૯મી નવેમ્બરના રોજ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેની જાગૃત્તિ અને કલેક્શન ડ્રાઇવ હાથ ઘરવામાં આવશે. એક્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું રિનોવેશન અને અપગ્રેડ વગેરેની કામગીરી કરવામાં આવશે. તા. ૨૦ થી ૨૫મી નવેમ્બર દરમ્યાન શાકભાજી માર્કેટ, એપીએમસી, બાગ- બગીચાઓની સફાઇ કરવામાં આવશે. કચરામાંથી ખાતર બનાવવા કમ્પોસ્ટ મશીનો અને અન્ય સુવિધાઓની શરૂઆત કરવામાં આવશે. તા. ૨૬મી નવેમ્બરના રોજ ગ્રામ્ય વિસ્તારમાં જાહેર અને સામૂહિક શૌચાલયોનું રીપેરિંગ અને સાફ- સફાઇ કરવામાં આવશે.
તા. ૨૭મી નવેમ્બર થી તા. ૨ જી ડિસેમ્બર દરમ્યાન રાજય ઘોરી માર્ગ, રાષ્ટ્રીય ઘોરી માર્ગ રીંગ રોડ, ટ્રાફિક સાઇનેજ અદ્યતન કરવા, ફુટપાથ રીપેરિંગ ડિવાઇડર રંગ રોગાન કરવા, ગાંડા બાવળ દૂર કરવામાં આવશે. તા. ૦૩ ડીસેમ્બરના રોજ ગામોના એન્ટ્રી પોઇન્ટ થી ૫ કિલોમીટર વિસ્તારમાં સફાઇ કરવામાં આવશે. તેની સાથે વોટર બોડીઝ, ઘાટ, અમૃત સરોવરની સઘન સફાઇ કરવામાં આવશે. ગટર અને વોટર ટ્રીટમેન્ટ બાદ રીયુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. તા. ૦૪ થી ૦૯ ડિસેમ્બર દરમ્યાન ખાનગી તથા સરકારી દવાખાનાઓ, પીએચસી અને સીએચસીની સફાઇ કરવામાં આવશે. તા. ૧૦મી ડિસેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલની સફાઇ કરવામાં આવશે. તા. ૧૧ થી ૧૬મી ડિસેમ્બર દરમ્યાન પીવાના પાણીના ઓવરહેડ ટાંકા અને ફિલ્ટરેશન પ્લાન્ટ અને કાંસની સફાઇ કરવામાં આવશે. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને તમામ તાલુકા વિકાસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.