Updated: Dec 13th, 2023
image : Freepik
– મૃતકના પરિવારજનો દ્વારા તબીબની બેદરકારીના કારણે મૃત્યુ થયું હોવાનો આક્ષેપ: હોસ્પિટલમાં ભારે તંગદીલી સર્જાઇ
જામનગર,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
જામનગરના મયુર નગર વિસ્તારમાં રહેતી 38 વર્ષની પરણિત યુવતી કે જેને પેરાલીસીસનો એટેક આવ્યા પછી સૌપ્રથમ ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું છે. તબીબી બેદરકારીના કારણે તેનું મૃત્યુ થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરાતાં હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મયુરનગર વિસ્તારમાં રહેતી શીતલબેન કિરીટભાઈ વાડૉલીયા નામની 38 વર્ષની યૂવતી કે જેને ગત 7.12.2023 ના દિવસે પોતાના ઘેર પેરેલીસીસનો એટેક આવ્યો હોવાથી તેણીને સૌ પ્રથમ જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં ત્રણ દિવસની સારવાર બાદ તારીખ 10.12.2023 ના દિવસે તેણીને વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં રીફર કરવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે રાત્રે તેણીનું મૃત્યુ નિપજ્યુ હતું.
આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ તબિબની બેદરકારીના કારણે શીતલબેનનું મૃત્યુ થયું હોવાનો આક્ષેપ કરાયો હોવાથી હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ થઈ ગઈ હતી. અને જી.જી હોસ્પિટલનું તંત્ર દોડતું થયું હતું. પોલીસ ટુકડી પણ જી.જી.હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. જે સમગ્ર મામલે તપાસ ચલાવવામાં આવી રહી છે.