રાજભવન ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને એક મહત્વપૂર્ણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વર્ષ 2023-24 અને 2024-25ના રાજ્યપાલ એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
.
કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ નીતિન પટેલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા. સમારોહની શરૂઆત સ્કાઉટ ગાઈડ પ્રાર્થના અને જનરલ સેલ્યુટથી થઈ. મહાનુભાવોને સ્કાર્ફ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યાં હતા.
ભાવનગરના ગાઈડ બહેનોએ દેશભક્તિ ગીત પર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરી હતી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાજ્યપાલે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને જન્મદિવસે અને માતા-પિતાની લગ્ન વર્ષગાંઠે વૃક્ષારોપણ કરવાનું આહ્વાન કર્યું. તેમણે જંકફૂડથી દૂર રહેવા, માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂક્યો હતો.

મદદનીશ રાજ્ય આયોજક કમિશનર અજયભાઈ ભટ્ટે વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. ભાવનગરના 127 વિદ્યાર્થીઓને બે વર્ષમાં આ સન્માન મળ્યું. જિલ્લા સંઘના પ્રમુખ નિશિથભાઈ મહેતા, કમિશનર જયેશભાઈ દવે, દર્શનાબેન ભટ્ટ અને અન્ય હોદ્દેદારોએ વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતા.
