ગાંધીનગર જિલ્લાના દિવેલા ઉત્પાદક ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકામાં પાન ખાનાર ઈયળ અને કાતરા જેવી જીવાતોના અસરકારક નિયંત્રણ માટેના વિવિધ પગલાંની વિગતવાર માહિતી આપવામાં આવી છે.
.
ખેડૂતોએ સૌ પ્રથમ ખેતરની આજુબાજુના શેઢા-પાળા સ્વચ્છ રાખવાના રહેશે. રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર પ્રતি હેક્ટરે ગોઠવવાની ભલામણ કરવામાં આવી છે. નર ફૂદીઓને આકર્ષવા માટે દર હેક્ટરે 8થી 10 ફેરોમોન ટ્રેપ મૂકવા જોઈએ.
જીવાત નિયંત્રણ માટે એન.પી.વી. વાયરસ ગ્રસ્ત 250 ઈયળનું દ્રાવણ 700 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાની ભલામણ છે. જો ઉપદ્રવ વધુ હોય તો ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 18.5 એસસી 3 મિલી, એમામેક્ટીન બેંઝોએટ 5 એસજી 3 ગ્રામ, સ્પીનોસાડ 35 એસસી 3 મિલી, અથવા ફ્લ્યુબેન્ડામાઈડ 39.35 ટકા 2 મિલી દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી 15 દિવસના અંતરે છંટકાવ કરવો.
ખેડૂતોએ દવાના વપરાશ વખતે લેબલ પર આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. વધુ માહિતી માટે સ્થાનિક કૃષિ અધિકારીઓ, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી કે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકાય છે.