Municipal Commissioners Appointment: આજે (1 જાન્યુઆરી 2025) રાજ્ય સરકાર દ્વારા 9 નગરપાલિકાઓને મહા નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે રાજ્ય સરકારે આજે જાહેર કરેલી નવી મનપાના સંદર્ભે મ્યુનિસિપલ કમિશનરોની પણ નિમણૂક કરી દીધી છે. મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદર 9 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે ત્યાં વહીવટદાર તરીકે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા IAS/GAS કેડરના 9 અધિકારીઓની નિમણૂક કરી છે.
રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિવિધ હોદ્દા ઉપર કાર્યરત IAS/GAS અધિકારીઓની બદલી કરવામાં આવે છે. તેમની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂક માટે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ હેઠળ મૂકવામાં આવ્યા છે.
નવી 9 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરોની નિમણૂક
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી દ્વારા હુકમ કરવામાં આવ્યા છે. આજે સરકારના મંત્રી ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર નવી 9 મહાનગરપાલિકાઓનું આજ કે કાલમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હવે ગુજરાતનો વિસ્તાર 50% કરતાં વધુ નગર વિસ્તાર થઈ જશે. લાર્જર અર્બન એરિયા, મ્યુનિસિપલ ઍક્ટ, 1949 લાગુ કરીને નવી મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વહીવટદાર મૂકવામાં આવશે. વહીવટદાર હેઠળ ચૂંટણી કરવામાં આવશે.