Major Action Of Gujarat ATS: ગુજરાત ATSએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. દેવભૂમિ દ્વારકાના ઓખામાંથી ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતાં એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. ગુજરાત ATSએ દિપેશ ગોહિલ નામના આ વ્યક્તિની પૂછપરછ શરુ કરી છે. આરોપીને દરેક માહિતી બદલ પાકિસ્તાન તરફથી રૂપિયા આપવામાં આવતા હતા. ATSએ દિપેશના બેંક ખાતાઓ અને મોબાઈલની તપાસ કરતા અનેક ખુલાસા થયા છે.
ફેસબૂકથી પાકિસ્તાનની સાહિમાના સંપર્કમાં આવ્યો
અહેવાલો અનુસાર, ગુજરાત ATSએ ઓખામાં રહેતા દિપેશ ગોહિલ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તે છેલ્લા ઘણાં સમયથી ભારતીય કોસ્ટગાર્ડ અને દરિયાઈ સીમાની કેટલીક મહત્ત્વની માહિતી પાકિસ્તાનને પહોંચાડતો હતો. દિપેશ ગોહિલ સાત આઠ મહિના પહેલા ફેસબૂકના માધ્યમથી પાકિસ્તાનની સાહિમાં નામની એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. બાદમાં બન્ને વોટ્સએપ પર ચેટ અને વાત કરતા હતા. પાકિસ્તાની યુવતકીએ તેને ગુપ્ત માહિતી આપવા માટે પૈસાની લાલચ અપાઈ હતી. જેથી દિપેશ સોશિયલ મીડિયા અને બીજા કેટલાક માધ્યમોથી કોસ્ટગાર્ડ અને ભારતીય દરિયાઈ સરહદની તસવીરો પાકિસ્તાન મોકલતો હતો.
માહિતી આપવાના મળતા હતા ફક્ત 200 રૂપિયા
ATSના એસપી કે. સિદ્ધાર્થનું કહેવું છે કે, દિપેશ ગોહિલ ભારતીય જળસીમા પર પેટ્રોલિંગ કરી રહેલા કોસ્ટ ગાર્ડના જહાજોની ગતિવિધિ જાણતો હતો અને તે માહિતી પાકિસ્તાન પહોંચાડતો હતો. આરોપીના ફોનની તપાસ કરતા સામે આવ્યું કે, તે પાકિસ્તાનની સાહિમા નામની મહિલા સાથે વાત કરતો હતો અને કોસ્ટ ગાર્ડની માહિતી આપતો હતો. આરોપીને માહિતી આપવા બદલ દિવસના 200 રૂપિયા આપવામાં આવતા હતાં. દિપેશ જે ફોન નંબર પર વાત કરતો હતો તેનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હતું.
સાહિમા પાકિસ્તાની હોવાની દિપેશને હતી જાણ
ATSનું કહેવું છે કે, સાહિમાએ દિપેશને કહ્યું હતું કે તે પાકિસ્તાન નેવીમાં છે છતા દિપેશે ગુપ્ત માહિતી આપતો રહ્યો. દિપેશને ખબર જ હતી કે તે દેશ વિરોધી કાર્ય કરી રહ્યો છે છતા તેણે ગુપ્ત માહિતી પાકિસ્તાનને પહોંચાડી હતી. જેના કારણે ATSએ તેને દબોચી ગુનો નોંધ્યો છે. ભારતીય નંબરથી જ વાત કરતા. લાલચમાં આવીને દિપેશે આ કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ લાગે છે તેવું ATSનું કહેવું છે..
આ પણ વાંચો: ખોખરાની સોસાયટીમાં કિન્નરોનો આતંક: સૂત્રધાર મોના માસી સહિત સાતની ધરપકડ
છેલ્લા એક મહિના બે જાસૂસ ઝડપાયા
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ગુજરાતમાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા બે જાસૂસ ઝડપાયા છે. અગાઉ પણ પાકિસ્તાન માટે જાસૂસી કરનારા પંકજ કોટિયા નામના વ્યક્તિની પોરબંદરથી ગુજરાત ATSએ ધરપકડ કરી હતી. તે પાકિસ્તાન નેવીને કોસ્ટગાર્ડની ગુપ્ત માહિતી વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી પાકિસ્તાનમાં રીયા નામના અધિકારીને પહોંચાડતો હતો. આરોપીના ખાતામાં પાકિસ્તાનથી 26 હજાર રૂપિયા જમા થયા હતા. આ જાસૂસ પોરબંદરની તમાકુ ફેક્ટરીમાં કામ કરતો હતો.