Gujarat ATS : અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી યુ એન મહેતા હોસ્પિટલમાં શુક્રવારે ગુજરાત ATSએ હથિયારો સાથે બે શખ્સોની ધરપકડ કરી છે. ATSના એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર ગુપ્ત માહિતીના આધારે હોસ્પિટલમાં ખાસ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે ATSના સૂત્રો દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાત ATSને સૂચના મળી હતી કે બે વ્યક્તિઓ હથિયાર અલીને યુ એન મહેતા હોસ્પિટલ આવી રહ્યા છે. જે બાદ તાત્કાલિક આસપાસના વિસ્તારમાં એક વિશેષ ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. આશરે બપોરના સવા ચાર વાગ્યે ATSની ટીમે હોસ્પિટલના ગેટ પર બે શકમંદોને રોક્યા અને બે બંદૂક સાથે ઝડપી પાડ્યા.
પ્રત્યક્ષદર્શીએ સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું હતું, કે ‘અધિકારીઓ સાદા કપડાંમાં તૈનાત હતા અને કોઈ જ હોબાળો મચાવ્યાં વિના અચાનક જ તેમણે બે લોકોને ઝડપી પાડયા, અમને તો પછી ખબર પડી કે તેમની પાસે હથિયાર હતા.’ ધરપકડ બાદ ATSની ટીમ હોસ્પિટલનો સમગ્ર વિસ્તાર સુરક્ષિત કર્યા પછી રવાના થઈ હતી.
ગુજરાત ATSના DySP વિરજીત પરમારે સ્પેશિયલ ઓપરેશનની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું, કે ‘બે શકમંદો આ વિસ્તારમાં આવી રહ્યા છે તેવી અમને જાણકારી હતી. જેના આધારે અમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું. ઝડપાયેલા બંને શખ્સો મૂળ ગુજરાતનાં નથી, FIR ની પ્રક્રિયા ચાલી રહી છે.’