Gujarat Government Employees Dearness allowance: રાજ્ય સરકારે વર્ષ 2025ની શરૂઆત પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ હેઠળ સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે 5 મહિનાનું એરિયર્સ પણ મળશે. જે અંગે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરાતથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું
રાજ્ય સરકારની જાહેરાત અનુસાર, આ મોંઘવારી ભથ્થું જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણ પ્રમાણે પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં 7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. છઠ્ઠા પગારપંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7 ટકા વધ્યું છે. રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચ પ્રમાણે પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં 1 જુલાઈ 2024થી વધારો કરવાનું નક્કી કર્યું છે. આ મોંઘવારી ભથ્થું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે. ડિસેમ્બરના પગાર સાથે તફાવતની રકમ મળશે. પેન્શનરોને તફાવતની રકમ ચૂકવાશે.
આ પણ વાંચો: ગુજરાત સરકારનો મહત્ત્વનો નિર્ણય, સતત પાંચમી વખત ઈમ્પેક્ટ ફીની મુદત છ મહિના લંબાવી
નાણાં વિભાગનો સત્તાવાર પરિપત્ર જાહેર
1. ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો – 2009 હેઠળના પગારધોરણો મુજબના પગાર ઉપર સંદર્ભમાં દર્શાવેલ ક્રમ (3) થી દર્શાવેલ તા.4 જુલાઈ 2024ના સરકારી ઠરાવ નં. વલભ-102009-જીઓઆઇ-10-ચ અન્વયે મોંઘવારી ભથ્થાના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓને તા.1 જાન્યુઆરી 2016ની અસરથી ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2016 લાગુ પાડવામાં આવતાં નવા પગારધોરણો ઉપર તા.1 જાન્યુઆરી 2016થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના નવા દરો અને તે દરોમાં વખતોવખત વધારો મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ જે અધિકારી/કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2016 અનુસારના પગારધોરણો લાગુ પાડવામાં આવેલા નથી અને ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો-2009 હેઠળના પગારધોરણમાં પગાર મેળવે છે તેવા કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થાના પ્રવર્તમાન દરોમાં તા.1 જુલાઈ 2024થી સુધારણા કરવા અંગેની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.
2. નાણા વિભાગના તા.4 જુલાઈ 2024ના સરકારી ઠરાવ નં. વલભ-102009-જીઓઆઇ-10-ચ થી છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તા.1 જાન્યુઆરી 2024ની અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે.
3. પુખ્ત વિચારણા બાદ, રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તા.1 જુલાઈ 2024થી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે.
- ચૂકવવા પાત્ર તારીખ: તા.1 જુલાઈ 2024 થી
- ચૂકવવા પાત્ર માસિક મોંધવારી ભથ્થાનો દર: મૂળ પગારના 246%
કર્મચારીઓના કિસ્સામાં, ડીસેમ્બર-2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024 થી નવેમ્બર-2024 માસ સુધીના કુલ-5 માસના તફાવતની રકમ ડીસેમ્બર માસના પગાર સાથે(પેઈડ ઈન જાન્યુઆરી-2025) ચુકવવાની રહેશે.
રાજ્ય સરકાર હેઠળના પેન્શનરોના કિસ્સામાં, જુલાઈ-2024 થી નવેમ્બર-2024 સુધીના કુલ-5 માસના સમયગાળાની મળવાપાત્ર હંગામી વધારાના તફાવતની રકમ રોકડમાં ઉપર જણાવ્યા મુજબ ચુકવવાની રહેશે.
4. આ હુકમો હેઠળ મોંઘવારી ભથ્થુ વિનિયમિત કરતી વખતે નાણા વિભાગના તા. 27 ફેબ્રુઆરી 2009ના સરકારી ઠરાવ નં. પીજીઆર/1009/6/પે સેલ (મ) ના ફકરા નં.3 અને 4 માં આપેલી જોગવાઇઓ અગાઉની જેમ જ લાગુ પડશે. મોંઘવારી ભથ્થામાં 50 (પચાસ) પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 (પચાસ) પૈસા કરતા ઓછી રકમને ગણત્રીમાં લેવામાં આવશે નહીં.
5. એન.પી.પી.એ. મેળવનાર કર્મચારી/અધિકારીઓને મોંઘવારી ભથ્થાના હાલના કુલ 9% વધારાના લાભની ગણતરી પગાર સુધારણા-2009 મુજબ તથા નાણા વિભાગ (૫.એ.) ના તા. 25 જુન 2010 ના ઠરાવ ક્ર. પીજીઆર/1009/8/પે સેલ, તા.1 સપ્ટેમ્બર 2010ના ઠરાવ ક્ર. પીજીઆર/1010/51/પે સેલ, તા.11 નવેમ્બર 2011ના ઠરાવ ક. પીજીઆર-1011/67/પે સેલ તથા તા.10 એપ્રિલ 2012ના ઠરાવ ક્ર. પીજીઆર/1011/70/પે સેલ મુજબ કરવાની રહેશે.
6. આ હુકમો જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ, પંચાયત કર્મચારીઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારી વર્ગ, સહાયક અનુદાન લેતી બિન-સરકારી શાળાઓના તમામ કર્મચારીઓને લાગુ પડશે. રાજ્ય સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર જે કર્મચારીઓ ગુજરાત રાજ્ય સેવા (પગાર સુધારણા) નિયમો- 2009 હેઠળના પગારધોરણમાં પગાર મેળવતા હોય તેઓને આ ઠરાવની જોગવાઈ મુજબ વધારો મળવાપાત્ર થશે.
7. પ્રસ્તુત ઠરાવનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતમાં પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલ વ્યક્તિઓને તેમજ કામ પૂરતા મહેકમના કર્મચારીઓને આપવામાં આવશે. તે જ પ્રમાણે પંચાયતો, સ્થાનિક સંસ્થાઓ અને નગરપાલિકાઓએ તેમના કર્મચારીઓને મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના કારણે અને બિન-સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકો તેમજ તે જ પ્રમાણે સહાયક અનુદાન લેતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતું ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિયમિત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતું ખર્ચ એ શરતે અનુદાનને પાત્ર ગણવામાં આવશે કે, આ રીતે મંજૂર કરેલ મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઇએ.
આ પણ વાંચો: પોલીસ હવે ગુનાના સ્થળ પરથી ઈ-પંચનામુ સીધું કોર્ટમાં મોકલશે, ગુજરાત પોલીસને મળી નવી એપ