Gujarat University: ગુજરાત યુનિવર્સિટીમાં અંધેર વહિવટની મોટી ઘટના સામે આવી છે. યુનિ. દ્વારા ઈસીની બેઠક બાદ તાજેતરમાં જ જાહેર કરવામા આવ્યું હતું કે, પીએચડીથી માંડી આર્ટ્સ અને કોમર્સના યુજી કોર્સમાં ફી વધારો કરવામા આવ્યો છે. ત્યારબાદ NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામા આવ્યું હતું અને ગઈકાલે ABVPએ પણ આંદોલન કર્યું ત્યારે એકાએક યુનિ.એ એવો પરિપત્ર જાહેર કર્યો કે, યુજીમાં આર્ટ્સ, સાયન્સ અને કોમર્સના રેગ્યુલર કોર્સમાં કોઈ ફી વધારો નથી. માત્ર આર્ટ્સ અને કોમર્સના ચાર વર્ષના બીએસ કોર્સમાં ફી વધારો છે. આમ એક સમાન કોર્સ પરંતુ 3 વર્ષ માટે અલગ ફી અને ચાર વર્ષ માટે અલગ ફી રહેશે તેવું યુનિ.એ જાહેર કર્યું છે. જો આ રીતે ફી લેવાશે તો રાજ્યની આ પ્રથમ યુનિ. હશે કે આ રીતે ફી વધારો નક્કી કર્યો છે.
આ પણ વાંચોઃ ચેક રિટર્નના કેસનો ભરાવો, હોળી બાદ 4 નવી કોર્ટ શરૂ કરવા ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય
યુનિ. એ જાહેર કર્યો ફી વધારો
ગુજરાત યુનિ. દ્વારા ગત 20 ફેબ્રુઆરીએ વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું હતું કે, પીએચડીમાં 7900 ફીમાં વધારો કરતા 12400, બીબીએમાં 11 હજાર ફીમાં વધારો કરીને 13200, બીસીએમાં 13 હજાર સામે 15 હજાર અને બી.કોમમાં 5750ને બદલે 7500 અને બી.એમાં પણ 5750 સામે 7500 રૂપિયા ફી નક્કી કરવામા આવી છે. આમ 17500 રૂપિયાથી લઈને 4500 રૂપિયા સુધીનો ફી વધારો કરવામા આવ્યો છે. યુનિ.એ વિધિવત રીતે જાહેર કર્યું હતું કે, 30 ડિસેમ્બર 2024ની ફી રેગ્યુલેશન કમિટીમાં નક્કી થયા બાદ 20 ફેબ્રુઆરીની ઈસી બેઠકમાં થયેલા ઠરાવ મુજબ આ ફી વધારો આગામી શૈક્ષણિક વર્ષ 2025-26થી લાગુ થશે.
આ પણ વાંચોઃ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સાત પ્લોટ પૈકી એક જ પ્લોટ ડેવલપમેન્ટ રાઈટથી આપી શકાયો
NSUI દ્વારા ભારે વિરોધ
આ ફી વધારા બાદ છેલ્લાં ઘણા દિવસોથી NSUI દ્વારા ભારે વિરોધ કરવામા આવી રહ્યો હતો અને બે થી ત્રણ વાર યુનિ.માં ટાવર બિલ્ડીંગમાં વીસી લોબી ખાતે ધરણા-દેખાવો કરવા ઉપરાંત વીસી ઓફિસમાં કુલપતિનો ઘેરાવો કરવાથી માંડી કુલપતિ નિવાસસ્થાને પણ વિરોધ કરવા પહોંચ્યા હતા. અચાનક ગઈકાલે જ યુનિવર્સિટી દ્વારા નવો પરિપત્ર કરવામા આવે છે કે, બી.એ, બી.કોમ અને બી.એસસીના કોર્સ માટે કોઈ ફી વધારો કરવામા આવ્યો નથી. ફક્ત ચાર વર્ષના આર્ટ્સ-કોમર્સના બી.એસ કોર્સ માટે ફી વધારો કરાયો છે. જ્યારે ઘણી કોલેજોએ બીબીએ-બીસીએ અને બી.કોમનું નામ બદલીને બી.એસ કર્યુ છે. પરંતુ યુનિ.એ એવું જાહેર કર્યું છે કે, 3 વર્ષના રેગ્યુલર કોર્સ માટે ફી વધારો નહીં લાગુ પડે પરંતુ, ચાર વર્ષના ડિગ્રી કોર્સ માટે ફી વધારો રહેશે. આમ એક સમાન કોર્સ છતાં વર્ષ મુજબ જુદી જુદી ફી લાગુ કરવાની ફેરવી તોળેલી જાહેરાત કરાઈ છે. યુનિ.દ્વારા અગાઉ ફી વધારાની જાહેરાત સમયે આવી કોઈ સ્પષ્ટતા કરાઈ ન હતી.