HTAT Teacher Transfer Rules In Gujarat : ગુજરાતભરના પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષક (HTAT)ને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યના HTAT સંવર્ગના બદલી નિયમોનો સુધારા ઠરાવ આજે શુક્રવારે (28 માર્ચ, 2025) બહાર પાડ્યો છે. આ મામલે શિક્ષણમંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘ટૂંક સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ કરવામાં આવશે.’
HTATની જિલ્લા ફેરબદલીના નિયમમાં કરાયો સુધારો
રાજ્યમાં છેલ્લા 12 વર્ષથી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મુખ્ય શિક્ષકો(HTAT)ની જિલ્લા ફેરબદલી કરવામાં આવી ન હોવાનો શિક્ષકોનો દાવો છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડીંડોરે પોતાના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક (HTAT) સંવર્ગના બદલી નિયમોનો સુધારા ઠરાવ આજે 28 માર્ચે બહાર પાડવામાં આવ્યો છે.’
આ પણ વાંચો: ગાંધીનગરમાં PTના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, પોતાની માગ પર ખેલ સહાયકો અડગ
મળતી માહિતી મુજબ, રાજ્યભરમાં અંદાજે 7000 જેટલા મુખ્ય શિક્ષકો(HTAT) પોતાની ફરજ બજાવે છે, જે પૈકી મોટાભાગના મુખ્ય શિક્ષકો વતનની બહાર ફરજ બજાવી રહ્યાં છે. મુખ્ય શિક્ષકોની તાલુકા કક્ષાએ આંતરીક બદલીના કેમ્પો યોજાઈ ચુક્યા છે પરંતુ જિલ્લા બહાર શાળામાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષકો છેલ્લા 12 વર્ષથી પોતાના વતનમાં બદલીની રાહ જોઈને બેઠા છે.