– નિવૃત્ત પોલીસકર્મીના ફાઈનાન્સર પુત્ર દિપક પવારે ઉધાર પૈસા આપવા ઈન્કાર કરી ગુરુમુખના પિતાને અપમાનીત કરતા તેનો બદલો લેવા તેણે મિત્રો મારફતે ફાયરીંગ કરાવ્યું હતું
– ઉધના પોલીસે અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી
સુરત, : સુરતના ઉધના વિસ્તારમાં નિવૃત્ત પોલીસકર્મીના ફાઈનાન્સર પુત્રની ઓફિસ ઉપર ફાયરીંગ કરાવનાર ગુરુમુખ ચીકલીગર અને તેના મિત્રને ઉધના પોલીસે ઉત્તરપ્રદેશના લાલગંજથી ઝડપી લીધા છે.ફાઈનાન્સર દિપક પવારે ઉધાર પૈસા આપવા ઈન્કાર કરી ગુરુમુખના પિતાને અપમાનીત કરતા તેનો બદલો લેવા તેણે મિત્રો મારફતે ફાયરીંગ કરાવ્યું હતું.ઉધના પોલીસે આ ગુનામાં અગાઉ ચાર આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના વેલકમ પાનથી પિયુષ પોઈન્ટ તરફ જતા રોડ ઉપર આશીર્વાદ ટાઉનશીપ ગેટ નં.4 પાસે ઓફિસ ધરાવતા નિવૃત્ત પોલીસકર્મીના ફાઈનાન્સર પુત્ર દિપક સુરેશભાઇ પવાર ( ઉ.વ.40, રહે.પ્લોટ નં.34, રામનગર વિભાગ-2, આશીર્વાદ ટાઉનશીપની પાછળ, ઉધના બમરોલી રોડ, ઉધના, સુરત ) ની ઓફિસ ઉપર ફાયરીંગ કરી બે અજાણ્યા ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.દરમિયાન, તપાસમાં ખુલાસો થયો હતો કે ચાર વર્ષ અગાઉ ડીંડોલી પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાયેલો ગુરુમુખ ચીકલીગર દિપક પવાર પાસે વારંવાર ઉધાર પૈસા માંગતો હતો અને દિપક પવારે ઈન્કાર કરતા તેણે પોતાના પિતાને પૈસા લેવા મોકલ્યા હતા.દિપક પવારે તેમને અપમાનીત કરતા તેનો બદલો લેવા ગુરુમુખે તેના મિત્ર શુભમ ઉર્ફે માફીયા અને અન્યો પાસે ફાયરીંગ કરાવડાવ્યું હતું.
ઉધના પોલીસે ત્યાર બાદ અજય સંજય ગાયકવાડ, હિમાલય ઉર્ફે સની વિકાસ બોરસે, ગણેશ ઉર્ફે ગણીયો ઉર્ફે બટકો ચન્દ્રકાંત નીકમ અને અમૃતાંશ ઉર્ફે લુલીયા દિલીપસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી.જયારે મુખ્ય સુત્રધારો ગુરુમુખ અને શુભમ ઉર્ફે માફીયા ફરાર હતા.દરમિયાન, ઉધના પોલીસની ટીમને ટેકનીકલ સર્વેલન્સમાં જાણવા મળ્યું હતું કે બંને ઉત્તરપ્રદેશના લાલગંજમાં છુપાયા છે.આથી ઉધના પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને ગુરુમુખસીંગ ઉર્ફે ગુરુ ક્રિપાલસિંઘ ચીકલીગર ( ઉ.વ.24, રહે.પ્લોટ નં.566, કર્મયોગી સોસાયટી વિભાગ 2, પોલીસ કોલોની પાસે, પાંડેસરા, સુરત. મૂળ રહે.નાંદેડ, મહારાષ્ટ્ર ) અને શુભમ ઉર્ફે માફીયા ધીરેન્દ્રપ્રતાપસિંઘ રાજપૂત ( ઉ.વ.27, રહે.ઘર નં.425, કર્મયોગી સોસાયટી વિભાગ 2, પોલીસ કોલોની પાસે, પાંડેસરા, સુરત. મૂળ રહે.ભદોહી, ઉત્તરપ્રદેશ ) ને ઝડપી લીધા હતા.શુભમ ઉર્ફે માફીયા બે વર્ષ અગાઉ પાંડેસરા પોલીસ મથકમાં હત્યાના ગુનામાં ઝડપાયો છે.વધુ તપાસ પીઆઈ એસ.એન.દેસાઈ કરી રહ્યા છે.
શુભમના મિત્રના દાદાના બેસણાંમાં પોલીસ વેશપલટો કરી પહોંચી અને પહેલા ગુરુમુખ અને બાદમાં શુભમને ઝડપી લીધો
સુરત, : ફાયરીંગ કરી ફરાર ગુરુમુખ અને શુભમનું લોકેશન લાલગંજ મળતા ઉધના પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે બંને શુભમના મિત્રના દાદાના બેસણાં અને જમણવારમાં હાજરી આપવા ગયા હતા.આથી પોલીસે વેશપલટો કર્યો હતો અને ત્યાં બેસણાંમાં હાજરી આપવા આવ્યા હોય તેમ પહોંચી પહેલા ગુરુમુખને પકડી લીધો હતો.તે સમયે શુભમ દારૂ લેવા ગયો હતો,તેના પણ ટ્રેસ કરી બાદમાં પકડી લીધો હતો.
એક વખત પત્ની અને બીજી વખત દીકરી સાથે હોય દિપક ઉપર ફાયરીંગ કર્યું નહોતું : ત્રીજી વખત એકલો હોય ફાયરીંગ કર્યું હતું
સુરત,: ફાઈનાન્સર દિપક પવાર ઉપર ફાયરીગ કરવા માટે રેકી કર્યા બાદ ત્રીજી વખતે ફાયરીંગ કરવામાં આવ્યું હતું.પહેલી વખત તેઓ ફાયરીંગ કરવા ગયા ત્યારે દિપકની પત્ની સાથે હોય અને બીજી વખત ગયા ત્યારે તેની દીકરી સાથે હોય ફાયરીંગ કર્યું નહોતું.ત્રીજી વખત એકલો હોય ફાયરીંગ કર્યું હતું.
બંને નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા પણ પૈસાની વ્યવસ્થા નહીં થતા પરત આવ્યા હતા
સુરત, : સુરતમાં ફાયરીંગની ઘટના બાદ ગુરુમુખ અને શુભમ નેપાળ ભાગી જવાની ફિરાકમાં હતા.બંને નેપાળ બોર્ડર ઉપર આવેલા સીતામઢી સુધી પહોંચ્યા હતા અને બે દિવસ રોકાયા હતા.પણ પૈસાની વ્યવસ્થા નહીં થતા પરત પટના આવ્યા હતા.ત્યાંથી લખનૌ અને બાદમાં લાલગંજ પહોંચતા શુભમના એક મિત્રએ તેમને રહેવા રૂમની વ્યવસ્થા કરી આપી હતી.