સુરતના હજીરામાં આવેલા આર્સેલર મિતલના સ્ટીલ પ્લાન્ટમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ સર્જાયેલી આગની દુર્ઘટનામાં ચાર કામદારોના મોત નિપજ્યા હતા. મંગળવારે (31-12-2024)ની સાંજે 6 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હોવા છતા મૃતકોના પરિવારજનોને મોડી રાત્રે જાણ કરવા
.
ઘટના સ્થળ
હજીરામાં આવેલા આર્સેલર મિતલના સ્ટીલ પ્લાન્ટનો બનાવ સુરતના હજીરામાં આવેલી AMNS(Arcelor Mittal Nippon Steel India Limited) કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં ભયાનક આગની ઘટના બની હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જીજ્ઞેસ પારેખ અને સંદિપ પટેલ નામના ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ રો-મટીરીયલની પાઈપમાં બ્લાસ્ટ થતા ચાર લોકો ભડથું
હોસ્પિટલે મૃતદેહો પહોંચતા જ પરિવારજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવાર (31-12-2024)ની સાંજે 6 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. આગમાં ચારેય કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ઘટનાના ચાર કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા. મૃતકના સ્વજને કહ્યું હતું કે, કંપનીને મૃતકોના નામ ખબર પડી તો પછી અમારા નંબર કેમ ન મળ્યા?
હોસ્પિટલ પર એકત્ર થયેલા મૃતકોના પરિવારજનો
મૃતકોના નામ જાહેર થયા પણ કયો મૃતદેહ કોનો તે કહેવું મુશ્કેલ! આગની દુર્ઘટનામાં જે ચારેય કામદારોના મોત થયા છે તેઓના મૃતદેહ એટલા બળી ગયા છે કે તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. કંપની દ્વારા તેઓના પ્લાન્ટમાં સર્જાયેલી દુર્ઘટનામાં જે ચાર કામદારોના મોત નિપજ્યા છે તેઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ, કયા કામદારનો મૃતદેહ કયો છે તે ઓળખવું મુશ્કેલ બનતા ડીએનએ ટેસ્ટ કરવો પડશે.
અમને નામ આપ્યા, પણ મૃતદેહ ઓળખાય તેમ નથી- નિકિતા જિગ્નેશ પારેખ નામના કામદારના બહેને કહ્યું હતું કે, અમને કંઈ જાણ નથી. અમને કોઈ માહિતી મળી નથી. કોઈ માણસ પણ અહીં નથી.કંપની વાળાને મૃતકના નામ મળી ગયા તો પછી પરિવારના કોન્ટેક્ટ નંબર કેમ ન મળ્યા? મને ન્યાય જોઈએ. ત્યાં બીજા કામદારો તો હશે ને તો તેઓને અહીં લાવો અને અમને સાચી માહિતી આપે. આટલી મોટી કંપનીમાં કોઈ સેફ્ટી નથી.
મૃતકના પરિવારજન
પોલીસે મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો ચારેય મૃતકોના પરિવારજનો હોસ્પિટલ એકત્ર થઈ જતા મામલો ગરમાયો હતો. સુરતમાં એક તરફ ન્યૂ યરનું સેલિબ્રેશન ચાલતું હતું તો બીજી તરફ મંગળવારે રાત્રિના સમયે હોસ્પિટલ પટાંગણમાં મૃતકોના પરિવારજનો કલ્પાંત કરતા જોવા મળ્યા હતા. પરિવારજનોએ માગ કરી હતી કે, આ ઘટના બની ત્યારે નજીકમાં જે અન્ય કામદારો કામ કરતા હતા તેઓને અમારી સામે લાવવામાં આવે અને આ ઘટના કઈ રીતે બની તે અમને જણાવવામાં આવે. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પર એકત્ર થઈ જતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસને પણ બનાવના એક કલાક પછી જાણ કરાઈ આગની દુર્ઘટના અંગે એસીપી દીપ વકીલે જણાવ્યું હતું કે, AMNS કંપનીના ફોરેક્સ પ્લાન્ટ ટુમાં જ્યાં કાચુ લોખંડ બને છે ત્યાં રો મટીરીયલ લઈ જતી પાઈલાઈન છૂટી પડી ગઈ હતી. જે લિફ્ટ બાજુ ફેકાઈ હતી. જેના કારણે ચાર કામદારો ગંભીર રીતે દાઝી જતા મોત નિપજ્યા હતા. સ્થળ મુલાકાત કરવામાં આવી છે. કામદારો લિફ્ટ બાજુએથી પસાર થતા હતા તે વેળાએ ગરમ મટીરીયલ પડતા મોતને ભેટ્યા છે. સાંજે 5:30 થી 6:30 વાગ્યાના સમય દરમિયાન આ ઘટના બની હતી. સાંજે 7:30 વાગ્યાના સમયે પોલીસને જાણ કરવામાં આવી હતી.ઘટના બનતા નોટિફાઇડ એરિયાની ફાયરની ટીમ પણ પહોંચી હતી. ઘટના અંગે હાલ તપાસ કરવામાં આવી રહી છે. મિકેનિકલ ફોલ્ટ હતો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.હાલ અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ચારે મૃતકો પ્લાન્ટમાં એમ્પ્લોય તરીકે કામ કરતા હતા.
દીપ વકીલ, એસીપી
ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, સુરતના હજીરામાં AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં એક પાઈપલાઈનમાં રો મટીરીયલનું ટેમ્પરેચર વધુ હોય છે. તેમાં બ્લાસ્ટ થાત લિફ્ટમાં ચાર લોકો હતા તેના મોત નિપજ્યા હતા. તમામ મૃતદેહોને પીએમ માટે રાખવામાં આવ્યા છે. ડીએનએ રિપોર્ટ બાદ તમામના પરિવારજનોને મૃતદેહો સોંપવામાં આવશે. સેફ્ટી રિલેટેડ જે ઓપિનિયન જોઈશે તે બોલાવીને લેવાશે અને આગલની કાર્યવાહી કરાશે.