અમદાવાદના યુવકનું આદિપુરમાં અપહરણ પછી ચોંકાવનારું કૃત્ય
ક્રેટા કારમાંસગીરાને ભગાડી ગયા પછી યુવતીની માતાને ૧૫-૨૦ ફૂટ સુધી ઢસડનાર ચાંદખેડાના યુવકને ઝડપી લઈ પોલીસ કાર્યવાહી
ગાંધીધામ: આદિપુરની સગીરાને પ્રેમ કરતો અમદાવાદના યુવકે બુધવારે રાત્રે ૧૭ વર્ષીય સગીરનું અપહરણ કરી લીધું હતું. જેની જાણ સગીરાની માતા અને ભાઈને થઈ જતાં તેમણે અમદાવાદના યુવકની કારનો પીછો કરી તેને આંતરી કાર થોભાવી હતી. પરંતુ કારનો કાચ ખોલાવવા જતાં સમયે યુવકે સગીરાની માતાની હત્યા કરી નાખવાના ઈરાદા સાથે કાર તેમના પર ચડાવી દેતા ૧૫-૨૦ ફૂટ સુધી ઘસેડી નાખ્યા બાદ યુવક સગીરાનું અપહરણ કરી ત્યાંથી નાસી ગયો હતો. જો કે, આદિપુર પોલીસે નાકાબંધી કરાવી મોડી સાંજે અમદાવાદના યુવકને ઝડપી લઈ યુવતીનો કબજો પણ મેળવ્યાની વિગતો સૂત્રોમાંથી મળી છે.
આ અંગે આદિપુર પોલીસ મથકે સગીરાના પરિજનોએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, તેમની ૧૭ વર્ષીય સગીરાનું આદિપુરની સિંધી વર્ષા સોસાયટી પાસેના વૃદ્ધાશ્રમ પાસેથી અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૈભવ અમિતભાઈ મકવાણાએ અપહરણ કરી લીધું હતું. જેની જાણ સગીરાની માતા અને ભાઈને થઈ જતાં તેમણે આરોપી વૈભવની ક્રેટા કારનો પીછો કર્યો હતો. દરમિયાન ગાંધીધામના ભારતનગર નજીક તેમણે આરોપીની કાર આંતરી કાર થોભાવી હતી. જે દરમિયાન સગીરાની માતા કારનો કાચ ખોલાવવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે અચાનક વૈભવે સગીરાની માતા પર કાર ચડાવી દીધી હતી. જેના કારણે સગીરાની માતા લગભગ ૧૫-૨૦ ફૂટ સુધી કાર સાથે ઘસેડાઈ હતી અને બાદમાં તે પડી જતાં આરોપી યુવક સગીરાને લઈ ત્યાથી નાસી ગયો હતો. આ બનાવ અંગે આદિપુર પોલીસના પી.આઈ. ડી.જી. પટેલ સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ગત રાત્રે ૯ વાગ્યા આસપાસ આ ઘટના બની હતી. આ બનાવમાં સગીરાની માતાને છોલછાલ જેવી સામાન્ય ઇજા પહોચી છે. આ બનાવ અંગે આરોપી વિરુદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોધવામાં આવ્યો છે.