રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેતૃત્વમાં વલસાડ સહિત સમગ્ર ગુજરાતના આરોગ્ય કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળ શરૂ કરી છે. આ હડતાળથી આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ સેવાઓ પ્રભાવિત થઈ રહી છે.
.
કર્મચારીઓની મુખ્ય માંગણી ગ્રેડ પે વધારવાની છે. તેઓ 2023થી ગ્રેડ પે 1900થી વધારીને 2800 કરવાની માગ કરી રહ્યા છે. આ ઉપરાંત તેમને ટેક્નિકલ કેડરમાં સમાવવાની પણ માંગણી છે. કર્મચારીઓએ આ અગાઉ બે વખત હડતાળ કરી છે. પરંતુ સરકાર તરફથી કોઈ નક્કર નિર્ણય ન લેવાતા ત્રીજી વખત હડતાળનો માર્ગ અપનાવ્યો છે.
MPHW, FHW, MPHS અને FHS પદે કાર્યરત કર્મચારીઓ બઢતી માટે ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માંગણી કરી રહ્યા છે. પંચાયત સેવા પસંદગી હેઠળના આ કર્મચારીઓનો આક્ષેપ છે કે, સરકાર તેમના પગાર વધારા અને અન્ય લાભો માટે વાટાઘાટ કરવા તૈયાર નથી.

કર્મચારીઓનું કહેવું છે કે, ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછો ગ્રેડ પે આપવામાં આવે છે. હડતાળને કારણે સગર્ભા મહિલાઓની તપાસ, ડેંગ્યુ-મેલેરિયા સર્વે, બાળકોનું રસીકરણ અને છેવાડાના વિસ્તારોની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે. લગભગ 900 આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. 7 માર્ચથી સર્વેક્ષણ ચાલુ રહેશે, પરંતુ કર્મચારીઓ રિપોર્ટિંગ કાર્યથી દૂર રહેશે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર અને કર્મચારીઓ વચ્ચે સમાધાન થાય તે જરૂરી બન્યું છે.