– દિવસ દરમિયાન ઠંડીમાં લોકો ઠુંઠવાયા
– સુસવાતા મારતા પવનના કારણે ઠંડી વધી, મહત્તમ – લઘુત્તમ તાપમાન વચ્ચે ૧૫ ડિગ્રીનો તફાવત
સુરેન્દ્રનગર : ઠંડીએ પકડ જમાવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પ્રજા શનિવાર પરોઢથી તાપમાન ૧૩ ડિગ્રીના કારણે ઠૂઠવાઈ ગઈ હતી. શાળાઓમાં માંડ ૪૦ થી ૪પ ટકા વિદ્યાર્થી હાજરી જોવા મળી છે. વેપારીઓ અને પ્રજા ઠંડીથી બચવા દિવસ દરમિયાન ગરમ વસ્ત્રોમાં સજ્જ છતાં ઠંડીનો કહેર યથાવત હોય તેમ પરેશાન જોવા મળી હતી. આજે લખતર, લીંબડી, ચોટીલા, ધ્રાંગધ્રા સહિતના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનનો પારો ૧ થી ર ડિગ્રી ગગડવાની સંભાવના છે.
જમ્મુ કાશ્મીરમાં શરુ થયેલ બરફ વર્ષાના ગણતરીના કલાકોમાં રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લો ઠંડીની પક્કડમાં આવી ગયો છે. છેલ્લા ૪ દિવસથી હાડથીજવતી ઠંડીનો દૌર શરુ થયા પછી શનિવારે પણ તાપમાનનો પારો લધુત્તમ ૧૩ ડિગ્રીએ જઇ મહત્તમ ૨૮.૫ ડિગ્રીએ સ્થિર થતાં જનજીવન ધૂ્રજી ઉઠયું હતું. ખાસ કરીને વહેલી પરોઢનું જનજીવન ઠંડીના કારણે વધુ પ્રભાવિત થયું છે. ઠંડી પ્રકોપ વધતાં શ્વાસના દર્દીઓની હાલત વધુ કફોડી બની રહી છે. જ્યારે નેશનલ હાઈવે ઉપર પણ ઠંડી પ્રકોપની અસર જોવા મળી હોય તેમ પરોઢે વાહનોની પાંખી હાજરી જોવા મળતી હોય છે. સૂરજનો તડકો શરુ થયા પછી જ વાહન ચાલકો માર્ગો ઉપર નિકળવાનું વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે ઠંડીથી રક્ષણ મેળવવા માટે રહેણાંક મકાનો ઉપરાંત હાઈવે પરના ઢાબાઓમાં સૌ કોઈ તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. આગામી દિવસમાં પણ તાપમાનમાં ૧ થી ર ડિગ્રીનો ઘટાડો નોંધાવવાની શક્યતા જણાઈ રહી છે.