જો તમે દીવ ફરવા જવાના હોય તો ચેતી જજો. કારણ કે, કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બુચરવાડામાં આવેલી હોટેલ કેશવમાં ચાલતા હનીટ્રેપનો પર્દાફાશ થયો છે. બે યુવક એક યુવતી સાથે મળીને હોટેલમાં આવતાં ગ્રાહકોને ફસાવતા હતા. જેમાં ખાસ કરીને સ્પાની આડમાં રૂમમાં સેટ કરેલ
.
ઇલેક્ટ્રિક બોર્ડમાં સિક્રેટ કેમેરા સેટ મળતી માહિતી મુજબ દીવના બુચરવાડા ચેક પોસ્ટ પાસે આવેલી હોટેલ કેશવ સંજય રાઠોડ નામના શખસે ભાડા પેટે રાખેલી છે. જેમાં તેણે અલ્તમશ અબ્બાસ મન્સુરી નામના એક શખસ અને અન્ય એક યુવતી સાથે મળીને સ્પાનો ધંધો શરૂ કર્યો હતો, જેમાં આ બંને યુવક યુવતીને સાથે રાખી સ્પાની સર્વિસ આપતા હતા. જે બાદ બંને યુવક ગ્રાહકોને સ્પા ઉપરાંત વધુ સર્વિસ આપવાની લાલચ આપતા અને યુવતી પાસે દેહવ્યાપારનો ધંધો કરાવતા હતા. જે દરમિયાન હોટેલના રૂમમાં ઇલેક્ટ્રિક બોર્ડમાં સેટ કરેલા સીક્રેટ કેમેરામાં ગ્રાહકોના અંગત પળોના વીડિયો કેદ કરી લેતાં હતા. જે બાદ તેઓ ગ્રાહકોને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયાની માંગણી કરતા હતા.
દીવની આ હોટેલમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છેલ્લા 6 માસથી ચાલતી હતી.
કેશવ હોટલના રૂમ નં.203માં હનીટ્રેપ કેશવ હોટેલમાં સ્પાના નામે દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છેલ્લા 6 માસથી ચાલતી હતી. જેની જાણ દીવના વણાકબારા પોલીસને થતાં દીવ જિલ્લા પોલીસ અધિક્ષક સચીન યાદવના માર્ગદર્શન હેઠળ વણાકબારા પો.સબ.ઈન્સ.આર.કે.ગાવિત, પો.સબ.ઈન્સ.નિલેશ કાટેકર સહિતનાઓએ કેશવ હોટેલમાં રેડ કરી હતી. જેમાં પોલીસે હોટેલના રૂમ નં.203માં ઇલેક્ટ્રિક બોર્ડમાં લગાવેલા સિક્રેટ કેમેરા અને મોબાઈલમાંથી વીડિયો અને રેકોર્ડિંગ કબજે કર્યા હતા.
હોટેલમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો : જિલ્લા પોલીસ અધિક્ષક જિલ્લા પોલીસ અધિક્ષક સચીન યાદવ દ્વારા જણાવાયું હતું કે, 25 ડિસે.ના રોજ હોટેલ કેશવમાં સ્પાની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો છે જે માહિતી મેળવ્યા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં હોટેલમાંથી સંજય રાઠોડ અને અલ્તમશ મન્સુરી નામના બે બ્લેકમેલરને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસે રહેલા મોબાઈલ ફોન તેમજ રૂમમાં રાખેલો સિક્રેટ કેમેરો સીઝ કરવામાં આવ્યો હતો. કબજે લીધેલા મોબાઈલમાંથી અમને અલગ-અલગ લોકોના પ્રાઇવેટ(બીભત્સ) વીડિયો પણ મળી આવ્યા હતા.
જિલ્લા પોલીસ અધિક્ષક સચીન યાદવ
વિના સંકોચે પોલીસનો સંપર્ક કરવા અપીલ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હની ટ્રેપની ઘટનામાં એક સગીરા પણ સંડોવાયેલી છે. આ લોકો ગ્રાહકોને બોલાવી રૂમમાં લઈ જઈ તેમના બીભત્સ વીડિયો રેકોર્ડ કરી બ્લેકમેઈલ કરતા અને લાખો રૂપિયાની માંગણી કરતા હતા. આ ઘટનામાં ઘણા આરોપીઓ સામેલ છે, જેઓની ક્યાં ક્યાં પ્રકારની ભૂમિકા છે તેની તપાસ હાલ ચાલી રહી છે. આ હનીટ્રેપનો ભોગ ઘણા લોકો બન્યા છે. જેઓને અમારી અપીલ છે કે, તેઓ વિના સંકોચે અમારો સંપર્ક કરે તેઓની માહિતી ગુપ્ત રાખવામાં આવશે.
મસાજ પાર્લરના નામે ગ્રાહકોને બોલાવતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ લોકો મસાજ પાર્લરના નામે ગ્રાહકોને બોલાવી દેહવ્યાપારનો ગોરખધંધો કરતા હતા. મોબાઈલ કેમેરામાં અને દીવાલમાં લગાવેલા સિક્રેટ કેમેરામાં વીડિયો બનાવી લેતાં હતા. આ મસાજ પાર્લર છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું. જેમાં દેહ વ્યાપારનો ધંધો 1 માસથી ચાલતો હતો. આ હોટેલ સંજય રાઠોડ નામના યુવકે ભાડા પેટે રાખી હતી. તેમાં મેનેજર તરીકે અલ્તમશ મન્સુરી નામનો યુવક કામ કરતો હતો.
હોટલને ભાડા પેટે રાખનાર આરોપી સંજય કાનજી રાઠોડ.
રૂમમાં બેડ પાસે ઇલેક્ટ્રિક બોર્ડમાં સિક્રેટ કેમેરો સેટ આ હોટેલના રૂમમાં બેડ પાસે ઇલેક્ટ્રિક સ્વીચનું બોર્ડ તોડી અંદરના ભાગે સિક્રેટ કેમેરો લગાવેલો હતો. જેમાં રૂમમાં આવતા ગ્રાહકોની અંગત પળોના બીભત્સ વીડિયો ઉતારવામાં આવતા હતા. જેમાં અમને 20થી 25 જેટલા અલગ અલગ લોકોના વીડિયો મળી આવ્યા છે. અમે આ વીડિયોની વધુ તપાસ કરી રહ્યા છીએ. જેમાં આ લોકોએ કેટલા લોકો સાથે બ્લેકમેઈલ કરી પૈસા પડાવ્યા છે તેની તપાસ ચાલુ છે. અત્યાર સુધીમાં કુલ ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં બે યુવક અને એક સગીરા છે. આ સમગ્ર ઘટનામાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે, તેની તપાસ હાલ શરૂ છે. જેમાં મુખ્ય આરોપી તરીકે સંજય રાઠોડ અને મેનેજર અલ્તમશ મન્સુરી છે.
હોટેલ મેનેજર આરોપી અલ્તમસ અબ્બાસ મન્સુરી.
સ્પાની આડમાં અંગત પળોના વીડિયો પોલીસે આ હોટેલને ભાડા પેટે રાખી સ્પાના નામે દેહવ્યાપાર કરાવનાર આરોપી સંજય કાનજી રાઠોડ (રહે.બુચરવાડા, દીવ) અને હોટેલ મેનેજર આરોપી અલ્તમશ અબ્બાસ મન્સુરી (રહે.ઉના)ને ઝડપી મોબાઈલ કબજે કર્યા હતા. જેમાંથી અંગત પળોના 20થી વધુ બીભત્સ વીડિયો પણ પોલીસને મળી આવ્યા હતા. પોલીસે સંજય રાઠોડ, અલ્તમશ મન્સુરી અને એક યુવતી વિરૂદ્ધ વણાકબારા પોલીસ મથકે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત હનીટ્રેપના કિસ્સામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની અને ભોગ બનનાર લોકોની તપાસ હાથ ધરી હતી.
બંને આરોપી અમરેલી જેલહવાલે હનીટ્રેપમાં પકડાયેલા બંને આરોપીને કોર્ટમાં રિમાન્ડ અર્થે 25 ડિસેમ્બરના રોજ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં 10 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટ દ્વારા 8 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં બંને આરોપીને અમરેલી જેલહવાલે કરવામાં આવ્યા છે.