– સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે
– હોટલ સંચાલકો રસ્તા પર ગંદા પાણીનો નિકાલ કરાતાં વિદ્યાર્થીઓના આરોગ્ય સામે મોટું જોખમ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલી શાળાના પ્રવેશદ્વાર સામે જ હોટલના ગંદા પાણી ભરાઇ રહેતા વિદ્યાર્થીઓ તેમજ શાળાએ લેવા મુકવા આવતા વાલીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. શાળાની પાસે આવેલી હોટલો દ્વારા ગંદા પાણીનો નિકાલ રસ્તા પર જ કરતા દરરોજ આવી સ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે હોટલ સંચાલકો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઉઠી છે.
સુરેન્દ્રનગર શહેરના ઉપાસાન સર્કલ પાસે આવેલી શાળાના પ્રવેશદ્વાર સામે જ અંદાજે ૩૦૦ મીટરથી વધુ જગ્યામાં સતત ગંદા પાણી ભરાયેલા રહેતા વિદ્યાર્થીઓ તેમજ શાળાએ લેવા મુકવા આવતા વાલીઓને ગંદા પાણીમાંથી પસાર થવાની નોબત આવે છે. સતત ભરાયેલા રહેતા ગંદા પાણીના કારણે માખી મચ્છરોનો પણ અસહય ઉપદ્રવ રહેતા વિદ્યાર્થીઓ અને શાળાની બાજુમાં આવેલી સોસાયટીના રહિશોનું આરોગ્ય જોખમાય તેવી પણ શક્યતાઓ છે. શાળાની આસપાસનાં વિસ્તારમાં આવેલી હોટલો દ્વારા ગંદા પાણીનો નિકાલ જાહેર મુખ્ય રસ્તા પર કરવામાં આવતા આ સ્થિતિનું નિર્માણ થતું હોવાનો વાલીઓ તેમજ આસપાસની સોસાયટીના રહિશો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શાળા દ્વારા આ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા સ્થિતિ જૈ સે થે જોવા મળી રહી છે. જાહેર રસ્તા પર ગંદા પાણીનો નિકાલ કરતા હોટલ સંચાલકો સામે પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં માગ ઉઠવા પામી છે.