ગિરનાર એટલે હિમાલયનો પિતામહ, જ્યાં નવ નાથ, સિદ્ધ ચોર્યાસી, બાવન વીર અને ચોસઠ જોગનીઓના બેસણા છે, જ્યાં દત્ત ગુરુનું નિવાસસ્થાન, મા અંબાનું સાંનિધ્ય અને અનેક દેવી દેવતોનો વાસ છે. જ્યાં દર વર્ષે લીલી પરિક્રમા યોજાય છે, જેમાં લાખો ભક્તો ઉમટી પડે છે. ગિરન
.
ગિરનારની પરિક્રમામાં વચ્ચે આવતી જીણા બાવાની મઢી ભાવિ ભક્તો માટે ખૂબ જ મહત્વનું સ્થળ છે. પરિક્રમાનો પહેલો વિસામો સંત જીણા બાવાની મઢીએ આવે છે, અહીં વડલાવાળી મહાકાળી માતાજીનું સ્થાન પણ આવેલું છે. જીણા બાવાની મઢીનો ઇતિહાસ સદીઓ જૂનો છે, એક લોકવાયકા મૂજબ જીણા બાવા ચિલમમાંથી આરપાર થતાં જ ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થયા હતા અને ત્યારથી લીલી પરિક્રમાની શરૂઆત થઇ હતી. આજના આ વિષેશ અહેવાલમાં વાંચીએ જીણા બાવાની મઢીનો સદીઓ જૂનો ઇતિહાસ.
જીણા બાવાનો પરચો લેવા સાધુના રૂપમાં ભગવાન આવ્યા લોક વાયકા મુજબ એક સમયે ચાર પાંચ સંતો ગિરનારના જંગલમાં ચાલીને આવતા હતા, તે સમયે આ સંતોને જીણા બાવા મળ્યા હતા. એવું પણ માનવામાં આવે છે કે જીણા બાવાનો પરચો લેવા માટે સાધુના રૂપમાં ભગવાન દત્તાત્રેય પણ આવ્યા હતા. સાંજના સમયે જીણા બાવા અને સાધુઓ બેઠા હતા. ત્યારે દત્ત ભગવાનના સ્વરૂપમાં આવેલા સાધુએ તેમને પૂછ્યું કે, ઝીણા બાવા તમારું નામ જીણા બાવા કેમ છે? અને ચમત્કાર બતાવવા કહ્યું હતું. તે સમયે જીણા બાવા ચલમ પી રહ્યા હતા. તે ચલમને જીણા બાવાએ ખાલી કરી અને તે ચલમમાંથી ઝીણા બાવાએ પોતાના શરીરને આરપાર થઈ નીકાળ્યું હતું. આ ચમત્કાર જોતાની સાથે જ સાધુના રૂપમાં આવેલા ભગવાન દત્તાત્રેયએ જીણા બાવાને પોતે ભગવાન દત્તાત્રેય હોવાનું કહ્યું હતું અને ચાર વરદાન માગવા માટે કહ્યું હતું.
પ્રસન્ન થઇને ભગવાને જીણા બાવાને ચાર વરદાન આપ્યા ભગવાન દત્તાત્રેયએ વરદાન માગવાનું કહેતાં જીણા બાવાએ ગિરનારમાં દર વર્ષે પરિક્રમા યોજાય એવું પહેલું વરદાન માગતાં ભગવાન દત્તાત્રે કહ્યું કે હવેથી દર વર્ષે ગિરનારમાં લીલી પરિક્રમા યોજાશે. ત્યારબાદ જીણા બાવાએ વરદાન માગ્યું કે મારી મઢીમાં ક્યારેય પણ ખીચડી ન ખૂટે, ત્રીજુ વરદાન માગ્યું કે ગિરનાર જંગલમાં જે પાણીના ઝરણા વહે છે તે ક્યારેય પણ ખૂટવા ન જોઈએ. ભગવાન દત્તાત્રેયે વરદાન આપ્યું કે આ પંથકમાં ગમે તેવો દુકાળ પડશે તો પણ ગિરનારના જંગલમાં વહેતા ઝરણાઓ ક્યારેય પણ સુકાશે નહીં. જ્યારે ચોથું વરદાન માગ્યું કે પરિક્રમામાં છે ભાવિકો આવે છે તેમને જંગલના વન્ય જીવજંતુઓ-પ્રાણીઓ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડે. આમ ઝીણા બાવાએ ચાર વરદાન માગતા ભગવાન દત્તાત્રેયના સ્વરૂપમાં આવેલા સાધુએ તેમને આ ચાર વરદાન આપ્યા હતા.
જીણા બાવાને દરબારમાં લાવવા જવાબે હુકમ કર્યો એક લોક વાયકા એવી પણ છે કે, જીણા બાવાની જંગલમાં જે જગ્યાએ મઢી હતી ત્યાં આંબાઓ હતા. તે સમયે નવાબની સેના જીણા બાવાની મઢીએ આવી હતી અને ઝીણા બાવાએ નવાબના સૈનિકોને અહીંના આંબાની એક કેરી ચખાડી હતી. સૈનિકે અડધી કેરી ખાધી અને બચેલી કેરી પોતાની પાસે રાખી દીધી હતી. બાદમાં સૈનિકોએ આ કેરી નવાબને ચખાડતા નવાબે કહ્યું કે આટલી સ્વાદિષ્ટ આ કેરી ક્યાંની છે ? ત્યારે સૈનિકોએ કહ્યું હતું કે ગિરનારના જંગલમાં એક જીણા બાવા રહે છે અને તેને આ કેરી ખવડાવી છે. ત્યારે નવાબે સૈનિકોને જીણા બાવાને પોતાના દરબારમાં લાવવા માટે હુકમ કર્યો હતો.
સૈનિકો બંધક બનાવવા આવ્યા તો બાવાએ પરચો આપ્યો નવાબનો હુકમ થતાં સૈનિકો જીણા બાવા પાસે પરત આવ્યા હતા અને જીણા બાવાને કહ્યું કે તમને નવાબ બોલાવે છે. ત્યારે જીણા બાવાએ સૈનિકોને કહ્યું કે મારો કોઈ નવાબ નથી. મારો નવાબ ભગવાન દત્તાત્રેય છે. સૈનિકોએ આ વાત નવાબને કરતા નવાબે જીણા બાવાને બંધક બનાવી દરબારમાં હાજર કરવા સૈનિકોને મોકલ્યા હતા. સૈનિકો જીણા બાવાને બંધક બનાવવા આવતાં જીણા બાવાએ પોતાની બાજુમાં પડેલા લોખંડના પાનાને ચીપિયો મારીને કહ્યું હતું કે મારો આ ભૈરવ નવાબને જવાબ દેવા આવશે. ચિંપીયો મારતાની સાથે જ લોખંડનું પાનું ઢળવા લાગ્યું હતું. આ જોઇ સૈનિકો આશ્ચર્યમાં મુકાયા હતા. આ બાદ સૈનિકો જીણા બાવાની માફી માગી રવાના થયા હતા અને જઇને નવાબને આ વાત કરી હતી.
નવાબે તામ્રપત્રમાં જીણા બાવાને 20 વીઘા જમીન લખી આપી સૈનિકોની વાત સાંભળીને જૂનાગઢનો નવાબ જીણા બાવાની મઢી આવ્યો હતો અને નવાબે જીણા બાવાને કહ્યું કે, મારા બોલાવવા છતાં તમે મારા દરબારમાં કેમ ન આવ્યા? ત્યારે જીણા બાવાએ ફરી પોતાની નજીકમાં પડેલા પથ્થરને ચીપિયો મારતાં પથ્થર દડવા લાગ્યો હતો. આ પરચો જોઈ નવાબ ઝીણા બાવાના પગમાં ઢળી પડ્યો અને જીણા બાવાની માફી માગી હતી. નવાબે જીણા બાવાની માફી માંગીને કંઇક માગવા કહ્યું હતું, ત્યારે ઝીણા બાવાએ કહ્યું કે મને આપવા વાળો મારો ભગવાન દત્તાત્રેય છે, મારે કાંઈ જોતું નથી. ત્યારે નવાબે તે સમયે તામ્રપત્રમાં જીણા બાવાને 20 વીઘા જમીન લખીને આપી હતી. એજ જગ્યાએ આજે જીણા બાવાની મઢી છે, જ્યાં લાખો શ્રદ્ધાળુ પરિક્રમામાં ખીચડીનો પ્રસાદ આરોગે છે.
પહેલાની અને અત્યારની પરિક્રમામાં જમીન-આસમાનનો ફરક: મહંત દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જીણા બાવાની મઢીના મહંત લક્ષ્મણ ભારતી મહારાજ જણાવે છે કે, ઝીણા બાવાની મઢીના બલરામપુરી મહારાજ છે. પ્રાચીન કાળથી ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. પહેલા જે પરિક્રમા યોજાતી હતી તે વયોવૃદ્ધ લોકોની યોજાતી હતી. એ પરિક્રમામાં વયોવૃદ્ધ લોકો પરિક્રમામાંપોતાની જાતે શાક-રોટલા અને ખીચડી બનાવી પોતે પણ જમતા હતા અને સાધુ સંતોને પણ જમાડતા હતા. ત્યારબાદ પરિક્રમાના અલગ અલગ પડાવો પર રોકાણ કરી ભાવિકો પરિક્રમા કરવા આગળ વધતા હતા. પહેલાની અને અત્યારની પરિક્રમામાં જમીન આસમાનનો ફરક છે.
પરિક્રમા પૂર્ણ થયા બાદ ટ્રકો ભરીને કચરો એકઠો કરાય છે: મહંત મહંત લક્ષ્મણ ભારતી મહારાજ વધુમાં જણાવે છે કે, પહેલા આવતા ભાવિકો જંગલને સાફ અને સ્વચ્છ રાખતા હતા. તે સમયે જંગલમાં કોઈ પણ પ્રકારની ગંદકી પણ થતી ન હતી. તે સમયે પરિક્રમામાં આવતા ભાવિકો પોટલા બાંધી કપડામાં સામાન લઈ પરિક્રમા કરવા આવતા હતા. હાલની પરિક્રમામાં પરિક્રમા વધુ પડતા ભણેલા લોકો આવે છે. જે પોતાની સાથે પ્લાસ્ટિક લઈ આવે છે અને પરિક્રમામાં ગંદકી કરે છે. પરિક્રમામાં ગંદકીના કારણે ભેગું થયેલું પ્લાસ્ટિક વન્યજીવો ખાતા તેમને નુકસાન થાય છે અને પ્રકૃતિ પણ બગડે છે. પરિક્રમા પૂર્ણ થયા બાદ હાલના સમયમાં ટ્રકો ભરીને કચરો એકઠો કરવામાં આવે છે.