ડીસામાં ઢુંવા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાં બનાવતી ફેક્ટરી દીપક ટ્રેડર્સમાં મંગળવારે સવારે આગ બાદ ભીષણ બ્લાસ્ટ થયો હતો. જેમાં મધ્ય પ્રદેશના 21 મજૂરોના મોત થયા હતા. ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે અંદાજે 9 કિલોમીટર સુધી તેનો અવાજ સંભળાયો હતો. આ ઘટના બ
.
‘એક યુવકની લાશ મે બહાર કાઢી હતી, જેના આંતરડા બહાર નીકળી ગયા હતા’ વધુમાં જણાવ્યું કે, બંને છોકરીઓના પપ્પાને શોધીને મે બહાર કાઢ્યાં હતા. જોકે, ધૂમાડો બહુ હતો જેથી મને કશું દેખાતું ન હતું. મે છોકરીના પપ્પાને ગેટ બહાર કાઢ્યા હતા અને એક બાઈક રોકાવી તેના પર બેસાડી સારવાર માટે મોકલ્યા હતા. એ બાદ બંને છોકરીઓના મમ્મીને શોધીને તેને પણ રીક્ષા રોકાવી અને મારી સાસુ સાથે હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યાં હતા. જે બાદ ધાબાના કાટમાળ નીચે દબાયેલી ચાર વર્ષની છોકરીને મે બહાર કાઢી હતી. તેમજ ડીસાના એક યુવકની લાશ પણ મે બહાર કાઢી હતી, જેના આંતરડા બહાર નીકળી ગયા હતા. અંદર તરફ ગયો તો એક વ્યક્તિ સંપૂર્ણ દાઝેલી હાલતમાં વગર કપડે જોવા મળ્યો હતો, જેને પણ મે બહાર કાઢ્યો હતો અને સારવાર માટે મોકલ્યો હતો.

‘કોઈનું માથું તો કોઈનો હાથ તો કોઈના પગ હતા’ વધુમાં જણાવ્યું કે, બે મહિના પહેલા અમે ફેક્ટરીમાં જતા હતા. જોકે, છેલ્લા બે મહિનાથી અમને ફેક્ટરીમાં જવા દેતા ન હતા. અમે જ્યારે લાશો બહાર કાઢતા હતા. ત્યારે માત્ર શરિરના અંગો જ જોવા મળતા હતા. કોઈનું માથું તો કોઈનો હાથ હતો તો કોઈના પગ હતા. આખા મૃતદેહ તો જોવા મળતા જ ન હતા.

લોકોને બચાવવા ફેંક્ટરીમાં સૌથી પહેલા જનાર હરીશભાઈ
‘ઘટના બાદ મે અને મારા પરિવારે બે દિવસથી કશું ખાધું ન હતું’ વધુમાં જણાવ્યું કે, મરનારમાં એક મારો ખાસ મિત્ર હતો જે બહાર આવતો તો ત્યાં જ આ ધડાકો થયો હતો અને તેનું મોત થયું છે. આ ઘટના બાદ મે અને મારા પરિવારે બે દિવસથી કશું ખાધું નથી. હું બચાવવા અંદર ગયો હતો. ત્યારે જેવો જ કુદીને પડ્યો ત્યાં મારા મિત્રની લાશ જ મને સામે મળી હતી. જે અહીંયા જ રહેતો હતો. જેમના મમ્મી-પપ્પા આવ્યાં અને રોતા રોતા મને કહ્યું કે, મારા દીકરાને બહાર કાઢો. મેં કહ્યું કે, તમારો છોકરો સ્વસ્થ જ છે. મારાથી સાચું બોલાયું નહીં. અમારા ખેતરમાં કેટલાક લોકોના અંગો પડ્યા હતા, કેટલાકના આંતરડા, તો કેટલાકના પગ તો કેટલીક આંગળીઓ બધું અલગ-અલગ થઈ ગયું હતું.

‘મેં જીવતા ચાર લોકોને બહાર કાઢ્યાં હતા’ વધુમાં જણાવ્યું કે, ભડાકો ખૂબ જ મોટો થયો હતો. નવ કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો. પહેલો ભડાકો થયો ત્યારે કોઈ ન હતું માત્ર હું જ એકલો હતો, ત્યાં હું સીધો અંદર ગયોને બે છોકરીઓને બહાર કાઢી હતી. જેમાં એક ચાર વર્ષની અને બીજી બે વર્ષની હતી. મેં જીવતા ચાર લોકોને બહાર કાઢ્યાં હતા અને ચાર જેટલી લાશો બહાર કાઢી હતી. અંદર જેવો જ હું ગયો ત્યા કશું દેખાતું ન હતું માત્ર ધૂમાડો જ દેખાતો હતો.

‘મને પહેલા એવું લાગ્યું કે સાયદ DP ફાટ્યું હશે’ ફેક્ટરી નજીક રહેતા અને મૃતદેહનો બહાર કાઢવામાં મદદ કરનાર બાબુભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સવારે હું સ્કૂલમાં છોકરાવને મુકવા ગયો હતો, ત્યારે મને એક વ્યક્તિએ કહ્યું કે, તમારા ઘર બાજુ એક મોટો ધડાકો થયો છે. જેથી પહેલા તો મેં વિચાર્યું કે સાયદ DP ફાટ્યું હશે. જેથી હું ઝડપથી ત્યાં પહોંચ્યો અને ઘરે આવીને જોયું તો ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હોવાની જાણ થઈ હતી.

‘લાશોના ટુકડાને વીણી વીણીને ભેગા કર્યાં’ વધુમાં જણાવ્યું કે, અહિં આવીને જોયું તો ધાબુ તૂટેલું પડ્યું હતું અને 21 લોકો દટાયેલા હતા. જેમાં 10 થી 11 જણાની લાશોના તો ટુકડે ટુકડા થઈ ગયા હતા. અમે એ લાશોના ટુકડાને વીણી વીણીને ભેગા કર્યા હતા. નજીકના ખેતર પરના વ્યક્તિને બોલાવી ટ્રેક્ટરની ટોલી મંગાવી હતી અને એમ્બ્યુલન્સોમાં લાશો ભરી ભરીને મોકલી હતી. આ ખેતરમાંથી અમે મૃતદેહોના ટુકડાને વીણી વીણીને ભેગા કર્યાં હતા.

મૃતદેહોને બહાર કાઢનાર બાબુભાઈ
‘જેટલા લોકો દેખાણા તેઓને પકડી પકડીને બહાર કાઢ્યા’ વધુમાં જણાવ્યું કે, હું જ્યારે આવ્યો ત્યારે તો અહીં ધૂમાડા જ ધૂમાડા હતા. કોઈ અંદર જઈ શકે તેમ જ ન હતા. અંદર જવાનું મન જ ના થાય. કાટમાળ અડધો લટકી રહ્યો હતો. જ્યારે બારી અને શટર તોડ્યા બાદ ધુમ્મસ બહાર નીકળ્યું હતું. જે બાદ અહીંના સ્થાનિકો અંદર પહોંચી ગયા હતા અને જેટલા લોકો દેખાણા તેઓને પકડી પકડીને બહાર કાઢ્યા હતા.

‘JCB પણ કામ ન આવ્યું એટલે ક્રેન બોલાવવી પડી’ વધુમાં જણાવ્યું કે, બધી લાશોને ગેટની બહાર મૂકી હતી. પછી ત્યાંથી અમે લાશોને મોકલી હતી. એમના પર પથ્થર પડેલા હતા જેથી કઈ દેખાતું ન હતું. જેટલી લાશો દેખાણી એ તો અમે બહાર કાઢી લીધી હતી. પ્રથમ તો જીસીબી બોલાવ્યું પણ તે કામ નહોતું આવતું, બાદમાં મોટી ક્રેન બોલાવવી પડી હતી. બધો કાટમાળો હટાવ્યો ત્યારે લાશો કાઢી શકાઈ હતી. આવુ દ્દશ્ય જોવાતું પણ નહોતું, પરંતુ માણસાઇનું ધર્મના માટે અમે લાશોને અને કેટલાક લોકોને જીવતા બહાર કાઢ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, ડીસામાં ઢુંવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદે ફેક્ટરીમાં મંગળવારે (1 એપ્રિલે) સવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં 21 મજૂરનાં મોત થયાં હતાં. આ દુ:ખદ ઘટનામાં પોતાનાં પ્રિયજનોને ગુમાવનારાં પરિવારજનો પોતાની વ્યથા ઠાલવી રહ્યાં છે. કેટલાક પરિવારોને તો હજુ પણ તેમનાં સગા-સંબંધીઓના મૃતદેહ જોવા પણ મળ્યા નથી.
સરકારે તપાસ માટે પાંચ પોલીસ અધિકારીની સ્પેશિયલ તપાસ ટીમની રચના કરી હતી, જોકે આ SITની રચના પર અનેક શંકાઓ તેમજ વિપક્ષના દબાણના અંતે આખરે સરકારે બીજી નવી SITની રચના કરી છે, જે 15 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે.