.
સેલવાસમાં રહેતો યુવક કોલેજ જાઉં છું તેમ કહી સવારે ઘરેથી નીકળી ગયો હતો. જે બાદ માતાને ફોન કરી હું નરોલી બ્રિજ પરથી કૂદીને મરવા જાઉં છું તેમ કહી ઝંપલાવી દેતા મોતને ભેટ્યો હતો. માતા પરિવાર સાથે સ્થળ પર પહોંચતા પુત્રની લાશ જોવા મળી હતી. મૃતકના કોલેજના મિત્રોએ જણાવ્યું કે, તે થોડા સમયથી ખૂબ જ ડિપ્રેશનમાં રહેતો હતો. સેલવાસ બાવીસા ફળિયા ખાતે ધનલક્ષ્મી બિલ્ડિંગમાં રહેતા અને હાલ દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરતા 22 વર્ષીય કુલદીપસિંહ જીતેન્દ્રસિંહ પરમાર શુક્રવારે સવારે 9 વાગે કોલેજ જાઉં છું તેમ માતાને કહીને ઘરેથી નીકળ્યો હતો. થોડા સમય બાદ કુલદીપે માતાને કોલ કરી જણાવ્યું કે, હું નરોલીના દમણગંગા બ્રિજ પર છું અને નદીમાં કુદીને મરવા જાઉં છું. જે બાદ તે બ્રિજ પરથી નદીમાં કૂદી પડ્યો હતો. જેથી માતા પરિવારના સભ્યો સાથે તાત્કાલિક બ્રિજ પર પહોંચી હતી. જ્યાં કુલદીપ નદીમાં કૂદી ગયો હોવાની જાણ થતા માતા પણ નદીમાં કૂદવા જઈ રહી હતી. જોકે ત્યાં હાજર પોલીસે મહિલાને પકડી પાડી કૂદવા દીધો ન હતો. બનાવની જાણ થતા ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કુલદીપની શોધખોળ હાથ ધરતા ત્રણ કલાકની જહેમત બાદ તેની લાશ મળી આવી હતી. લાશને બહાર કાઢી બનાવની જાણ સેલવાસ પોલીસને કરતા આપઘાત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઇ છે. કુલદીપના કોલેજના મિત્રોએ જણાવ્યું કે, તે થોડા સમયથી ખૂબ જ ડિપ્રેશનમાં રહેતો હતો. બે વર્ષ અગાઉ જ કુલદીપ કેનેડાથી પેટ્રો કેમિકલનો અભ્યાસ કરી સેલવાસ આવ્યો હતો.
3 વર્ષમાં આ બ્રિજથી 20થી વધુ આપઘાત સેલવાસ નરોલી રોડનો આ દમણગંગા પુલ સુસાઇડ પોઇન્ટ તરીકે કુખ્યાત થઈ રહ્યો છે. આ અગાઉ પણ અનેક વખત આ પુલ પરથી અનેક લોકોએ મોતની છલાંગ લગાવી છે. આ પુલ પરથી કૂદી ત્રણ વર્ષમાં 20થી વધુ લોકોએ આપઘાત કર્યા છે. જે અટકાવવા પ્રશાસનને રજૂઆત છતાં કોઈ પગલાં લેવાતા નથી.
દાનહમાં આપઘાતના વધી રહેલા કિસ્સાઓ ગંભીર ચિંતનનો વિષય છે. સમસ્યા અને કોઈપણ તણાવનું નિરાકરણ આત્મહત્યા કદી પણ નથી.ધરતી પર પ્રત્યેક મનુષ્યના જીવનમાં સારા અને ખરાબ સમય આવતો જતો રહે છે. > કૌશીલ શાહ, સામાજિક અગ્રણી
બ્રિજ પર જાળી સાથે બોટની માગ પ્રશાસન દ્વારા આ બ્રિજ પર તાત્કાલિક ધોરણે જાળી લગાવવામા આવે અથવા તો આ બ્રિજ નજીક રિવર ફ્રન્ટ પાસે કાયમ માટે એક બોટની વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે. શુક્રવારે બનેલી ઘટનામાં ફાયર વિભાગ દ્વારા બોટને લાવવામા એક કલાકનો સમય નીકળી ગયો હતો.