દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં હોળી પહેલાની આમલી અગિયારસનું વિશેષ મહત્વ છે. આજે જિલ્લાના વિવિધ સ્થળોએ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
.
ગરબાડા તાલુકાના રામ ડુંગરા ગામે આવેલા ભીમકુંડમાં એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે. આદિવાસી સમાજના લોકો વર્ષ દરમિયાન મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિને એક પોટલીમાં બાંધી, માટલીમાં મૂકી ઘર નજીક દાટી રાખે છે. આમલી અગિયારસના દિવસે આ અસ્થિને બહાર કાઢી, શાસ્ત્રોક્ત વિધિથી દૂધથી ધોઈ પૂજન કરવામાં આવે છે.
ભીમકુંડની પૌરાણિક માન્યતા છે કે અહીં પાંડવો આવ્યા હતા. અહીં પાંચ કુંડ છે જેમાં દેવોનો વાસ હોવાનું માનવામાં આવે છે. આ કુંડમાં અસ્થિ વિસર્જનથી મૃત આત્માને મોક્ષ મળે છે એવી લોકમાન્યતા છે.
આજે ગરબાડા તાલુકાના 40 જેટલા ગામોના લોકોએ પોતાના મૃત સ્વજનોના અસ્થિનું વિસર્જન કર્યું હતું. આ અનોખી પરંપરા ભારતમાં અન્ય કોઈ સ્થળે જોવા નથી મળતી. આથી મોટી સંખ્યામાં બહારના લોકો પણ આ વિધિ નિહાળવા આવ્યા હતા.

મેળામાં હજારો આદિવાસીઓએ ઢોલના તાલે નૃત્ય કરી આનંદ માણ્યો હતો. આ અસ્થિ વિસર્જનની પ્રક્રિયા આખો દિવસ ચાલી હતી અને ભીમકુંડ પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા.