રાજકોટનાં એસ.ટી. બસપોર્ટ ખાતે સગર્ભાની ડિલિવરી સફળ રીતે કરાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં બસમાં બેસી વતન જવા નીકળેલી સગર્ભાને બસ પોર્ટનાં પ્લેટફોર્મ પર પહોંચતા જ પ્રસૂતિની પીડા શરૂ થઈ હતી. જેને પગલે ત્યાં હાજર મહિલાઓ દ્વારા આ પ્રસૂતાને ચાદર
.
તાત્કાલિક ચાદરની વ્યવસ્થા કરી 108ને જાણ કરાઈ પ્રાપ્ત વિગત મુજબ સાવિત્રીબેન સંતાપ નામની એક સગર્ભા પોતાના વતન છોટાઉદેપુર જવા માટે રાજકોટ બસપોર્ટનાં પ્લેટફોર્મ નંબર-2 પર પહોંચી હતી. આ દરમિયાન અચાનક તેણીને પ્રસુતિની પીડા થવા લાગી હતી. જેને પગલે ત્યાં હાજર સાયોના કંપનીનાં કામદારો ટીનાબેન અને તેમના સાથી કર્મચારીઓ દોડી ગયા હતા તેમજ આ અંગે બસપોર્ટનાં સુપરવાઈઝર સુભાષભાઈ સહિત ફરજ પરના સ્ટાફને જાણ કરી હતી. જેને પગલે તેમના દ્વારા તાત્કાલિક ચાદરની વ્યવસ્થા કરી 108ને જાણ કરવામાં આવી હતી.
મહિલાને ઇન્જેક્શન આપી ડિલિવરી કરાવવામાં આવી બાદમાં મહિલાને પ્લેટફોર્મ નંબર-2 પર જ સાયોના કંપનીના મહિલા કર્મચારીઓ દ્વારા કોર્ડન કરવામાં આવી હતી. બીજી તરફ આ અંગેની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાં સગર્ભાની તપાસ કરતા તાત્કાલિક જ પ્રસુતિ કરવાની જરૂર જણાઈ હતી. જેને પગલે 108નાં ડોક્ટર સહિતની ટીમ દ્વારા આ મહિલાને ઇન્જેક્શન આપી ડિલિવરી કરાવવામાં આવી હતી. આ પછી મહિલા અને તેના 2 કિલોનાં બાળકને વધુ સારવાર માટે રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ બંનેની તબિયત સંપૂર્ણપણે સ્વસ્થ છે.
સગર્ભાની સફળ પ્રસુતિ કરાવીને 31 ડિસેમ્બરની ઉજવણી કરી અત્રે ઉલ્લેખનીય છે કે, અંતરિયાળ વિસ્તારમાં 108ની ટીમ દ્વારા સ્થળ પર પ્રસુતિ કરાવવામાં આવતી હોવાના તો અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે પરંતુ, બસપોર્ટમાં અનેક લોકોની અવરજવર વચ્ચે સ્થાનિક સ્ત્રીઓની મદદથી કોઈ સગર્ભાને ચાદર વડે કોર્ડન કરીને પ્રસુતિ કરાવવાનો સંભવત: આ પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાની સફળ પ્રસુતિ થતા આસપાસના લોકોએ પણ 108ની કામગીરીની પ્રશંસા કરી હતી. આમ, 108 એમ્બ્યુલન્સની ટીમે સગર્ભાની સફળ પ્રસુતિ કરાવીને 31 ડિસેમ્બરની અનોખી ઉજવણી કરી હતી.