રાજકોટમાં વર્ષ 2025નાં પ્રારંભે ડોગબાઈટનાં કેસોમાં વધારો નોંધાયો છે. શહેરનાં મોટાભાગનાં વિસ્તારોમાં શ્વાનોના ત્રાસની ફરિયાદો આવતી હોય છે. પણ શ્વાનને પકડી અને તેને ઓપરેશન બાદ મુળ જગ્યાએ જ છોડવા સહિતનાં કાયદાના કારણે જ કાયમી ત્રાસ દુર થતો નથી. ત્યારેબઠ
.
રાજકોટ શહેરમાં 15 દિવસમાં જ 1000થી વધુ કૂતરા કરડવાના કેસ રાજકોટ મનપા તંત્ર દ્વારા શ્વાનની વસ્તી ન વધે તે માટે વ્યંધિકરણના ઓપરેશન તેમજ રખડુ શ્વાનોને હડકવા વિરોધી રસીકરણ કરવા પાછળ વર્ષે મોટો ખર્ચ કરવામાં આવે છે. છતાં શ્વાન કરડવાના કેસ સતત વધી રહ્યા છે. આ માટે શ્વાનોની વસતી વધી રહી છે કે પછી તે હિંસક બની રહ્યા છે તે બાબત તપાસનો વિષય છે. ચાલુ વર્ષમાં જાન્યુઆરીનાં પ્રારંભે તા.1થી 15 સુધી શહેરમાં 1006 લોકોને શ્વાન કરડ્યા છે. આ આંકડો તો જેમણે કૂતરૂ કરડ્યા બાદ મનપા આરોગ્ય કેન્દ્રોમાં ઇન્જેક્શન અને સારવાર લીધી છે તેના જ છે. જો અન્ય હોસ્પિટલોમાં સારવાર લેનારનો આંક સામે આવે તો આ કેસની સંખ્યા વધુ હોવાનું નકારી શકાય તેમ નથી.
દરરોજ સરેરાશ 70 લોકોને કૂતરા કરડ્યા રાજકોટ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં છેલ્લા 15 દિવસમાં દરરોજનાં સરેરાશ 70થી વધુ શ્વાને બચકું ભર્યું હોવાના કેસો નોંધાયા છે. અને કુલ 1006 જેટલા કેસો સામે આવ્યા છે. હાલમાં તમામ આરોગ્ય કેન્દ્રોમાં શ્વાન કરડ્યા બાદ અપાતા ઇન્જેક્શનનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલોમાં આ ઇન્જેક્શનના રૂ.3000થી 3500 વસુલાતા હોય છે, જ્યારે મનપા આરોગ્ય કેન્દ્રોમાં તદ્દન વિનામૂલ્યે ઇન્જેક્શનનો કોર્સ કરાવાય છે. જેના કારણે સિવિલ હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીનો ધસારો વધુ રહે છે.
આ વિસ્તારમાં સૌથી વધુ બનાવ રાજકોટનાં રેસકોર્સ, પુજારા પ્લોટ, 80 ફુટ રોડ, નિર્મલા રોડ, હનુમાનમઢી ચોક, મવડી, કુવાડવા રોડ, મોટામૌવા, જંગલેશ્વર, રામનાથપરા સહિતના અનેક વિસ્તારોમાં શ્વાનનો ત્રાસ સતત રહે છે. જેમાં બાળકો અને વડીલોની ચિંતા પરિવારોને ડરાવતી હોય છે. આવા વિસ્તારોમાં શ્વાનપ્રેમીઓ દુધથી માંડી બિસ્કીટ વિતરણના કાયમી પરબના પોઇન્ટ દુર કરે તો શ્વાનોના અડ્ડા બંધ થાય તેમ છે. બાકી અન્ય લોકોના ઘર અને વિસ્તાર પાસે આવો શ્વાન પ્રેમ અન્ય લોકો માટે જોખમી બનતો હોવાની પણ શક્યતા છે.
શું કહી રહ્યા છે વેટરનરી ઓફિસર? રાજકોટ મનપાનાં વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જણાવ્યા મુજબ સામાન્ય રીતે શિયાળામાં પૂરતો ખોરાક ન મળવો, વાતાવરણ ચેન્જ થવાથી સાયકોલોજીકલ બીહેવીયર બદલવું, તેમજ હાલમાં બ્રિડિંગ સિઝન પુરી થઈ હોવાથી બચ્ચાનાં રક્ષણ માટે માતા આક્રમક બને છે. આવા કારણોસર શિયાળામાં શ્વાન કરડવાનાં બનાવ વધે છે. ગતવર્ષે શહેરની તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં મળીને કુલ 12,156 ડોગબાઈટનાં કેસ નોંધાયા હતા. જેની સામે ચાલુવર્ષે પ્રથમ 15 દિવસમાં જ 1006 કેસ નોંધાયા છે.
રાજકોટ મનપા દ્વારા શ્વાનનો ત્રાસ દૂર કરવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં માધાપર ખાતે શ્વાનોને શાંત કરવા ખાસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. મનપા દ્વારા શ્વાનોનું હડકવા વિરોધી રસીકરણ કરવામાં આવે છે. તેમજ વસ્તી વધે નહીં તે માટે ખસીકરણ પણ કરવામાં આવે છે. આમ છતાં જે વિસ્તારમાંથી ફરિયાદ મળે ત્યાં અમારી ટીમો દ્વારા શ્વાનને પકડી માધાપર ખાતે આવેલા ડોગ ફ્રેન્ડલી સેન્ટરમાં મુકવામાં આવે છે. તેમજ આ શ્વાનને 10-15 દિવસ ત્યાં રાખી શાંત કર્યા બાદ જ નિયમ મુજબ જે-તે સ્થળે પરત મુકવામાં આવે છે. લોકો પણ શ્વાનને ખોરાક આપવા સહિતની બાબતોમાં ખાસ સાવધાની રાખે તે જરૂરી છે.