રાજકોટ જિલ્લામાં ઓનર કિલીંગનો બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકોટ નજીક આવેલા વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં યુવકને તેના જ મામાની દીકરી સાથે આંખ મળી જતાં પ્રેમ સંબંધ બંધાયો હતો. જેની જાણ પરિવારજનોને થઈ જતાં ગઈકાલે પ્રેમિકાને મળવા જતાં યુવાનને રસ્તા વચ્ચે આંતરી બે મામા સહિત ચાર શખસોએ ધોકાના ઘા ઝીંકી ભાણેજની ઠંડા કલેજે હત્યા કરી ત્રણ આરોપીઓ સામેથી પોલીસમાં હાજર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતાં પડધરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અવારનવાર પ્રેમી યુગલ મળતાં હોવાનું સામે આવ્યું
રાજકોટ નજીક લોધિકા તાલુકાના વેજાગામ વાજડી રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતાં જયદીપ હમીરભાઈ મેરીયા (ઉ.વ.24) નામના યુવાનની ગઈકાલે સાંજે પડધરી તાલુકાના ઢોકળીયા ગામેથી લાશ મળી આવી હતી. આ બનાવની યુવાનના પિતા હમીરભાઈ મનજીભાઈ મેરીયાને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ પડધરી પોલીસને જાણ કરી હતી. પોલીસની પૂછપરછમાં ત્રણ ભાઈમાં સૌથી મોટો જયદીપ અપરિણિત હોવાનું અને તેને ઢોકળીયા ગામે જ રહેતા સગા મામાની દીકરી સાથે આંખ મળી જતાં બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હોવાનું અને અવારનવાર આ પ્રેમી યુગલ મળતાં હોવાનું સામે આવ્યું હતું. ધોકાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું
ગઈકાલે જયદીપ ઢોકળીયા ગામે પ્રેમિકાને મળવા માટે નીકળ્યો હતો. જેની જાણ અગાઉથી જ મામાને થઈ જતાં ઢોકળીયા ગામની સીમમાં જ જયદીપને આંતરી ધોકાના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. આ બનાવ અંગે પડધરી પોલીસે હમીર મનજીભાઈ મેરીયાની ફરિયાદ પરથી ઢોકળીયા ગામે રહેતા ગોવિંદ પ્રેમજીભાઈ મુછડીયા, પ્રવિણ પ્રેમજીભાઈ મુછચડીયા, રસિક પ્રવિણભાઈ મુછડીયા અને કંચનબેન ગોવિંદ મુછડીયા સામે ખુનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવ બાદ આરોપી ગોવિંદ પ્રેમજીભાઈ મુછડીયા, પ્રવિણ પ્રેમજીભાઈ મુછચડીયા, અને કંચનબેન ગોવિંદ મુછડીયા સામેથી પોલીસમાં હાજર થઈ જતાં તેઓની અટકાયત કરી અન્ય ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Source link