વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ પાછળના ફ્રુટ બજારમાં વહેલી સવારથી આડેધડ પાર્ક થતાં ભારદારી સહિત તમામ પ્રકારના નાના મોટા વાહનોમાંથી ફ્રુટ ખાલી કરાય છે. પરંતુ આડેધડ થતાં વાહનોના કારણે લોકોને આવન જાવન સહિત અન્ય વાહનચાલકોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. રોજિંદી આવી હાડમારીમાં કલાકો સુધી એકેય બાજુથી વાહન વ્યવહાર સરળ રીતે પસાર થઈ શકતો નથી. રોજિંદી આ તકલીફ અંગે પાલિકા તંત્રમાં વારંવાર ફરિયાદ થઈ છે. છતાં પણ આ બાબતે કોઈ કાયમી નિકાલ લાવવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થાય છે. જો આ વિસ્તારમાં ક્યારેય કોઈ અઘટીત બનાવ બને ત્યારે એમ્બ્યુલન્સ ને આવવા જવામાં કોઈ રસ્તો મળી શકે નહીં એવી સ્થિતિનું રોજિંદુ નિર્માણ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં ક્યાંય આગ લાગે તેવા સમયે પણ ફાયર બ્રિગેડ ના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી શકે તેવી સ્થિતિ રહેતી નથી. આમ ફ્રુટ બજારમાં આવતા વાહનો યોગ્ય અને વ્યવસ્થિત રીતે પાર્ક થાય, ફ્રુટ ઉતારવા સહિત વાહનમાં ચડાવવા બાબતે યોગ્ય વ્યવસ્થા ગોઠવાય એવી સ્થાનિક રહીશોની માંગ છે. જોકે આ રસ્તે થી ચાલતા પસાર થતા લોકોને પણ બીજે છેડે જવામાં ભારે તકલીફ ભોગવી પડે છે જેથી લોકો આ રસ્તે થી ચાલતા જવાનું ટાળીને અન્ય રસ્તેથી જવાનું પસંદ કરતા હોય છે. જોકે આ અંગે તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક ફરિયાદો કરવા છતાં પણ કાયમી ધોરણે કોઈ નિકાલ આવતો નથી.