સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પ્રાણલાલજી મહારાજની અવતરણ ભૂમિ વેરાવળની ધરા પર નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી સર્જાયેલા નૂતન ધર્મ સ્થાનકના ઉદ્ઘાટન સમારોહનો અવસર તા.29 ડિસે.ના રોજ યોજાશે. આ સમારોહમાં તા.28 અને 29 બે દિવસ સુધી સંત-સતીઓ અને સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી
.
વર્તમાન સમયની સ્થિતિ અને સંયોગોને લક્ષમાં રાખીને ગુરુદેવની પ્રેરણાથી 75 વર્ષ બાદ સર્જાયેલાં શેઠ સોભેચંદ કરસનજી ધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ જૈન ઉપાશ્રય શાતાકારી અને શાંતિકારી એવા આ ધર્મસ્થાનકના ઉદ્ઘાટન સમારોહને લઈ વેરાવળના ભાવિકોમાં સાથે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘોમાં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. ગુરુદેવના સાંનિધ્યે આયોજીત બે દિવસીય આ અવસરમાં સમગ્ર ગુરુ પ્રાણ પરિવારના પૂજનીય સંત-સતીજીની પાવન ઉપસ્થિતિ સાથે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી સંઘો તેમજ અનેક ભાવિકો અનેક ક્ષેત્રોમાંથી ભક્તિભાવથી જોડાશે.
આ બે દિવસીય અવસરમાં આજે તા.28 ડિસે.સવારે વેરાવળના ગુરુભક્ત ભીખાલાલ નેમચંદ શાહ પરિવારના આંગણું સ્વામિનારાયણ મંદિરની પાછળ ખાતેથી ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થઈને ગાજતી ગુંજતી, જયકાર ગજાવતી નૂતન ધર્મ સ્થાનકના દ્વારે પધારેલ. જ્યાં ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ગુરુપ્રાણ ગુણ વંદનાવલી આદિ કાર્યક્રમની સાથે નૂતન ઉપાશ્રયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. સ્વામી વાત્સલ્યનો લાભ ધર્મવત્સલા હેમાક્ષીબેન રમેશભાઈ જમનાદાસ શાહ, વંશ, પ્રણય, યુગ, પુંકિત શાહે લીધેલા છે.
આવતીકાલે તા.29 ના રોજ સવારે 9 કલાકે સમગ્ર સૌરાષ્ટ્રના સંઘોની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણની 68 પુણ્ય સ્મૃતિને અનુલક્ષીને એમના જીવન પર આધારિત એક હૃદયસ્પર્શી નાટિકાની પ્રસ્તુતિ “મારા ગુરુ પ્રાણ” દ્વારા એમના ગુણોની સ્મૃતિને જીવંત કરવામાં આવશે. આ અવસરે પૂજ્ય સંત-સતીઓના મુખેથી સુંદર ભાવો સાથે ગુરુ પ્રાણને ગુણાંજલિ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે નૂતન ધર્મ સ્થાનકના નિર્માણમાં તન, મન ધનનું યોગદાન આપનારા સેવાભાવી ભાવિકોને સન્માનિત કરવામાં આવશે.
નવકારશીનો લાભ ધર્મવત્સલા વર્ષાબેન સુરેશભાઈ કંપાણી, વૃષ્ટિબેન કુણાલભાઈ ગોસાણી અને ધર્મવત્સલા બીનાબેન મુકેશભાઈ શાહ, ચેતનાબેન મહેન્દ્રભાઈ શાહ પરિવારે લીધેલા છે. આ અવસરે દરેક ધર્મપ્રેમીઓને પધારીને ધન્ય બનવા વેરાવળ સંઘ તરફથી આમંત્રણ આપવામાં આવ્યુ છે.