ભારતીય મહિલા ખો-ખો ટીમે પ્રથમ વર્લ્ડ કપમાં ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. ફાઇનલમાં નેપાળને હરાવીને ટીમે ચેમ્પિયનશિપ જીતી લીધી, જેમાં ગુજરાતના ડાંગ જિલ્લાની દીકરી ઓપીના ભિલારેએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.
.
બિલિઆંબા ગામની વતની ઓપીના ભિલારેએ ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું. નવ નંબરની જર્સી પહેરીને રમતી ઓપીનાએ લીગ રાઉન્ડમાં સાઉથ કોરિયા, ઈરાન અને મલેશિયા સામેની મેચોમાં ઉત્કૃષ્ટ રમત દર્શાવી. સેમીફાઇનલમાં સાઉથ કોરિયા અને ફાઇનલમાં નેપાળ સામે પણ તેણે પોતાની ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું.
ગુજરાત ખો-ખો ટીમની કૅપ્ટન ઓપીના એક સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડી છે. તે બેસ્ટ ડિફેન્સ અને બેસ્ટ એટેકર તરીકે જાણીતી છે. પોલ ડ્રાઇવ, સ્કાય ડ્રાઇવ, ટચ પોઇન્ટ, અધર ડ્રાઇવ અને ડ્રીમ રન જેવા ખો-ખોના તમામ પાસાઓમાં તેણે નિપુણતા દર્શાવી છે.
આ જીત સાથે ભારતીય ગ્રામીણ રમત ખો-ખોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રયાસોથી આ પરંપરાગત રમતને વૈશ્વિક મંચ મળ્યો છે, જે ભારતીય ખેલ સંસ્કૃતિ માટે ગર્વની વાત છે.