2025ના પ્રારંભે જ રાજકોટમાં રાત્રિના એક વાગ્યે ન્યુયર પાર્ટી પૂર્ણ કરી ઘર તરફ જતા યુવક અને તેની સ્ત્રી મિત્રની કાર અટકાવી ચાર આરોપીએ પોલીસની ઓળખ આપી તેઓની જ કારમાં અપહરણ કર્યું હતું. બાદમાં યુવક અને યુવતી અવાવરું જગ્યાએ લઇ જઈ યુવક પાસેથી રૂપિયા પડાવવ
.
આ ઘટનામાં પોલીસે બે દિવસની અંદર જ ચારેય આરોપીને ઝડપી પાડી તપાસ કરતા રીઢા ગુનેગારો હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત ચારેય આરોપીની જેલમાં મુલાકાત, બાદમાં દોસ્તી અને જામીન પર બહાર આવી નવા વર્ષથી વધુ રૂપિયા બનાવવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે, હાલમાં ફરી ચારેયને એકસાથે જેલવાસ ભોગવવાનો વખત આવ્યો છે.
યુવક-યુવતીને તેઓની કારમાં જ અપહરણ કરી લઈ ગયાં આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ અવધ રોડ પર હોટલ સીઝન્સ ખાતે 31 ડિસેમ્બરની રાત્રે ન્યુ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન પૂર્ણ થતા રાત્રિના 1 વાગ્યાની આસપાસ એક યુવક પોતાની સ્ત્રી મિત્ર સાથે પરત ઘરે ફરી રહ્યો હતો. આ દરમિયાન પાછળથી એક સફેદ કલરની વરના કાર આવી હતી અને તેને આ યુવક અને યુવતીને અટકાવી તેની કાર રોકી હતી. આ દરમિયાન એક શખ્સે પોલીસની ઓળખ આપી ખોટી ફરિયાદની ધમકી આપી હતી. ત્યાર બાદ ચારેય આરોપીએ સાથે મળી આ યુવક અને યુવતીનું અપહરણ કરી અવાવરું સ્થળ પર લઇ ગયા હતા.
આરોપીની કારમાં નંબર પ્લેટ પણ નથી.
એક આરોપીએ યુવતીની છેડતી શરૂ કરી દીધી આ જગ્યા પર યુવક સાથે મારકૂટ કરી હતી અને રૂપિયા પડાવવા પ્લાન બનાવ્યો હતો. જેમાં યુવક પાસેથી માત્ર 1700 રૂપિયા જ મળી આવતા તેના પિતાને ફોન કરી વધુ રકમની માંગણી કરવામાં આવી હતી. યુવકના પિતા પહોંચે એટલા સમયમાં એક શખ્સ હેવાન બની ગયો હતો અને યુવતીની છેડતી કરવા લાગ્યો હતો. જો કે, બાકીના 3 શખ્સો ભાનમાં હોવાથી તેમને તુરંત ખ્યાલ આવ્યો કે, યુવકના પિતા આવી રહ્યા છે અને બબાલ થઇ શકે છે માટે તેઓ ચારેય ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આરેય આરોપી નશેડી હોવાની ચર્ચા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગબનનાર યુવકની ફરિયાદ પરથી આરોપી વિપુલ મેતા (ઉં.વ.34), અલ્પેશ ઉર્ફે અપુડો ઉર્ફે અપ્પુ મકવાણા (ઉં.વ.27), પરિમલ સોલંકી (ઉં.વ. 22) અને તેનો ભાઈ વિજય સોલંકી (ઉં.વ.21)ની ધરપકડ કરી તેમના વિરુદ્ધ અપહરણ, લૂંટ અને છેડતી સહિતની કલમ હેઠળ ગુના દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું અને રીઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહિ આ આરોપીઓ અંગે ચર્ચા તો એવી પણ ચાલી રહી છે કે, આ ચારેય આરોપી નશેડી છે. નશામાં ધૂત હોવાથી જ તેઓએ રૂપિયા પડાવવાની લાલચે આ ખેલ ખેલ્યો હતો. જો કે, આ ઘટના બની એ સમએ તેઓએ નશો કર્યો હતો કે કેમ? નશાની હાલતમાં હતા કે કેમ? તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જગદીશ બાંગરવા, ઝોન-2 DCP, રાજકોટ.
આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ પકડાયેલ આરોપી વિપુલ લાભુભાઈ મેતા વિરુદ્ધ અગાઉ હત્યા અને મારામારી સહિત કુલ 3 કેસ નોંધાયેલ છે. જ્યારે આરોપી અલ્પેશ ઉર્ફે અપ્પુ નરેશભાઈ મકવાણા વિરુદ્ધ છેતરપિંડી, મારામારી અને છેડતી સહિત 10 ગુના નોંધાયેલ છે. આરોપી પરીમલ ત્રીભોવનભાઈ સોલંકી વિરુદ્ધ પ્રોહિબિશન, મારામારી સહિતના 7 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. તેમજ આરોપી વિજય ઉર્ફે કાળીયો ત્રીભોવનભાઈ સોલંકી વિરુદ્ધ છેડતી, મારામારી સહિત 8 જેટલા ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ચારેય આરોપી જેલમાં જ મિત્રો બન્યા હતાં એટલું જ નહિ તમામ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાથી તેઓ જેલવાસ પણ ભોગવી ચૂક્યા છે. જેલવાસ દરમિયાન જ તમામ આરોપીઓ એકબીજાને જેલમાં અંદર મળ્યાં હતા અને તેઓ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જેલમાં મિત્ર બની આરોપીઓ એક બીજાને સાથ આપી રૂપિયા કમાવાની લાલચે ન્યુયર પાર્ટી પૂર્ણ થયા બાદ યુવક પાસેથી વધુ રૂપિયા મળશે તેવી આશાએ યુવકનું તેનીજ કારમાં અપહરણ કર્યું હતું. જો કે, કોઈ મોટી ખાસ રકમ હાથે ન લાગતા અંતે ફરીથી ચારેય આરોપીઓને એક સાથે જેલના સળિયા ગણવાનો વખત આવી ચુક્યો છે.
આરોપીને ફરી જેલમાં ધકેલાયા.
યુવક પાસેથી વધુ પૈસા ન મળતા પિતા પાસે ખંડણી માગી ભોગ બનનાર યુવકે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાની સ્ત્રી મિત્ર સાથે 31મી ડિસેમ્બરના રોજ ન્યુ યર પાર્ટી માટે હોટલ સિઝનસ ખાતે ગયો હતો. ત્યારે ન્યૂ યર પાર્ટી પૂર્ણ થયા બાદ યુવક અને તેની સ્ત્રી મિત્ર કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે હોટલ સીઝનસ નજીક આવેલા અવધ રોડ પર પોલીસની ઓળખ આપી ડ્રાઇવિંગ લાઇસન્સની માંગણી કરવામાં આવી હતી. ડ્રાઇવિંગ લાઇસન્સ આપ્યા બાદ પોલીસ તરીકેની ઓળખ આપનારા વ્યક્તિઓએ યુવકનું આધાર કાર્ડ પણ માંગ્યું હતું. તેમજ ત્યારબાદ યુવક અને યુવતીને કારના પાછળના ભાગમાં બેસાડી કારને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવી હતી અને પછી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જો કે હાજરમાં તેમની પાસે માત્ર 1700 રૂપિયા જ હતા, જે લઇ લેવામાં આવ્યા હતા અને બાદમાં પિતાને ફોન કરી ખંડણી માંગવામાં આવી હતી. આજ જગ્યાએ આરોપીઓ પૈકી એક આરોપીએ સ્ત્રી મિત્રની છેડતી પણ કરી હતી.
પોલીસે ગુનો નોંધી જેલ હવાલે કર્યા બનાવ અંગેની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિપુલ મેતા, અલ્પેશ ઉર્ફે અપ્પુ મકવાણા, પરીમલ સોલંકી અને વિજય ઉર્ફે કાળીયો સોલંકી સામે બી.એન.એસ. કલમ 204, 140(3), 75, 127(2), 309(6), 308(5), 351(3), 115(2), 3(5), 119(1) મુજબ ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.