ભાવનગરના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગ ભાવનગરના સહયોગથી 100 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
.
કાર્યક્રમમાં વન વિભાગના ACF બિમલ ભટ્ટ અને RFO દિવ્યરાજસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે બાળકો માટે ડોક્યુમેન્ટરી સ્ક્રીનિંગ અને હેન્ડસ-ઓન એક્ટિવિટીસનું આયોજન કરવામાં આવ્યું હતું. આરએસસી કેમ્પસમાં વિવિધ વૃક્ષોની પ્રજાતિઓ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વિધ્યાધીશ, સરદાર પટેલ, વળાવડ કન્યા શાળા અને BRC ગીર ગઢડા શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દર વર્ષે 21 માર્ચે આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવવામાં આવે છે. 2012માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ આ દિવસની સ્થાપના કરી. આ વર્ષની થીમ “જંગલો અને ખોરાક” છે. આ થીમ ખાદ્ય સુરક્ષા અને પોષણમાં જંગલોની મહત્વપૂર્ણ ભૂમિકા દર્શાવે છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત આરએસસી ભાવનગર પાંચ થીમ આધારિત વિજ્ઞાન ગેલેરી ધરાવે છે. કેન્દ્ર વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે છે. તે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા સતત પ્રયત્નશીલ રહે છે.
