TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી.
.
આ દુર્ઘટના બાદ દિવ્ય ભાસ્કરની ટીમે રાઇડની સુરક્ષા ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં રાઇડનો દરવાજો ખેંચતા જ ખુલી ગયો હતો. જેથી, સંચાલકોની ઘોર બેદરકારી હોવાનું સામે આવ્યું છે.
બાળકોના જીવ સાથે તંત્રની રમત રાજકોટના ટીઆરપી ગેમઝોનની હચમચાવતી ઘટના બાદ રાજ્યના તમામ બાળ મેળા, ગેમઝોન તથા બાળકોની રમતને લાગતી તમામ જગ્યાઓ બંધ કરી દેવા સરકારે આદેશ કર્યા હતા. જ્યાં થોડા સમય પહેલા જ સુરક્ષા અને સલમાતીના પુરતા સાધનો તેમજ તંત્ર દ્વારા સ્થળનું ચેકિંગ સહિત અને કડક ગાઇડલાઇન સરકાર દ્વારા બહાર પાડવામાં આવી હતી પરંતુ, વડોદરામાં બનેલી આ ઘટના સ્પષ્ટ કરે છે કે, હજી પણ તંત્ર ઘોર નિંદ્રામાં છે અને બાળકોના જીવ સાથે હજી પણ રમત રમાઇ રહી છે.
મેળામાં ચાલુ રાઈડે દરવાજો ખુલ્યો વડોદરા શહેરના અવધૂત ફાટક પાસે આવેલ રોયલ મેળાની ચાલુ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો. 2થી 3 બાળકો નીચે પટકાયા હતા. જેમાં એક બાળકી ઇજાગ્રસ્ત થઇ હતી. આ ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. આ રાઈડમાં 12 જેટલા બાળકો સવાર હતા. સદનસીબે મોટી દુર્ઘટના થતા ટળી ગઈ હતી.
ચાલુ રાઇડમાં બે બાળકો બહાર લટકી પડ્યા હતા એક બાળકના વાલી અને પ્રત્યક્ષદર્શી અશોકભાઇ પંડ્યાએ જણાવ્યું હતું કે, હું સ્થળ પર હાજર હતો ત્યારે મશીનમાં કઈક ખરાબી થતાં અચાનક રાઇડની સ્પીડ વધી ગઇ અને તેને રોકવું અશક્ય હતું. સ્પીડ એકાએક વધતા ચાલુ રાઇડમાં દરવાજા ખુલી ગયા હતા અને બે બાળકો બહાર લટકી પડ્યા હતા. લોકોએ બાળકોને બચાવવા બુમાબુમ કરી મૂકી હતી અને ઓપરેટર ત્યાંથી ભાગી ગયો હતો. આ દરમિયાન એક ભાઇ જે ફાયર બ્રિગેડમાં કામ કરે છે એ પણ પોતાની દિકરીને લઇને ત્યાં આવ્યા હતા. એ ભાઇએ વાયરો કાઢી નાખતા રાઇડ થોડી ધીમી પડી હતી અને કેટલાક લોકોએ હાથથી રાઇડ રોકવા માટે પ્રયાસો કર્યા હતા. જેમાં એક ભાઇના હાથમાં પણ વાગ્યું હતુ. આ ઘટનામાં 4 બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
તુરંત જ મેળો બંધ કરવામાં આવ્યો હતો હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી જતાં તુરંત જ રોયલ મેળાને બંધ કરી દેવામાં આવ્યો હતો અને લોકોને ટિકિટના નાણાં રિફંડ કરવામાં આવ્યા હતા. આ પ્રકારની ગંભીર બેદરકારીવાળી ઘટના બનતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે રાઇડમાંથી 4 બાળકો નીચે પટકાયા હતા. જેમાં 4 બાળકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.
જો રાઈડની પરમિશન નહી લેવાય હોય તો ગુનો નોંધાશે એડિશનલ પોલીસ કમિશનર લીના પટેલે જણાવ્યું હતું કે, રાવપુરા પોલીસ સ્ટેશનની હદમાં રોયલ મેળો આવેલો છે. જ્યાં નાના બાળકો માટેની હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો. જેમાં બાળકો પડતા પડતા રહી ગયા હતા અને બાળકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસની ટીમો સ્થળ પર પહોંચી ગઈ છે. રોયલ મેળાની રાઇડ પોલીસ કમિશનરે આપેલી પરમિશનમાં હતી કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ જે બેદરકારી થઈ છે તે મામલે પણ તપાસ કરવામાં આવશે. આ મેળાની પરમિશન લેવામાં આવી હતી અને તેનું તમામ ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ મામલે લાયસન્સના કાગળો ચેક કરવામાં આવી રહ્યા છે. જો આ રાઈડની પરમિશન લેવામાં નહીં આવી હોય તો બેદરકારીનો ગુનો નોંધવામાં આવશે.