સૌરાષ્ટ્રથી સુરત કે મુંબઈ તરફ જવા માગતા લોકો માટે મોટા ખુશીના સમાચાર છે. તેમને હવે બગોદરા કે વડોદરા સુધી જવું નહીં પડે. જામનગરથી બાય રોડ ભરૂચ માત્ર 5 કલાક અને સુરત માત્ર 6 કલાકમાં પહોંચી શકાશે. જામનગરથી વાયા ભાવનગર થઈને ભરૂચ સુધી નવો નેશનલ હાઈવે બનવા
.
ગુજરાતને મળ્યા બે પ્રોજેક્ટ, 316 કિમીનો એક્સપ્રેસ વે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) તથા ભારતમાલા પરીયોજના એન્ડ સ્પેશિયલ પ્રોજેક્ટ (BPSP) સેલ દ્વારા દેશભરમાં 8 નવા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. એમાંથી બે પ્રોજેક્ટ (પેકેજ) ગુજરાતને મળ્યા છે. પહેલો પ્રોજેક્ટ જામનગરથી વાયા રાજકોટ થઈને ભાવનગર સુધી 248 કિલોમિટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. જ્યારે બીજો પ્રોજેક્ટ ભાવનગરથી ભરૂચ સુધી 68 કિલોમિટર ફોર અથવા સિક્સલેન બનાવવાનો છે. એમાં દરિયામાં અંદાજે 30 કિલોમિટર લાંબો બ્રિજ પણ બનશે. બંને પ્રોજેક્ટ મળી કુલ 316 કિલોમીટરનો લાંબો નવો એક્સપ્રેસવે (કોરીડોર) બનશે, જોકે જામનગરથી રાજકોટ અને રાજકોટથી ભાવનગર હાલના રૂટને રિનોવેટ કરીને પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવશે કે રૂટમાં ફેરફાર કરાશે એની વિગત પણ હજી મળી શકી નથી.
15 કંપનીએ ડીપીઆર માટે બીડ કરી ગુજરાતના બંને પ્રોજેક્ટના ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ) માટે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે ટેન્ડર બહાર પાડ્યાં હતાં, ગઈ 26 જૂનના રોજની બીડની જાહેરાત કરવામાં આવી હતી અને 4 નવેમ્બરના રોજ બીડની અંતિમ તારીખ હતી. ગુજરાતના બંને પ્રોજેક્ટ માટે કુલ 15 કન્સલ્ટન્ટ કંપનીએ બીડ કરી છે. જામનગર-રાજકોટ-ભાવનગર એક્સપ્રેસ વે માટે 12 કંપની તેમજ ભાવનગર-ભરૂચ એક્સપ્રેસ વે માટે 3 કંપનીએ બીડ કરી છે. હાલ આ તમામ બીડનું ટેક્નિકલ મૂલ્યાંકન ચાલી રહ્યું છે. બાદમાં ક્વાલિફાઇ બીડરમાંથી જેમણે સૌથી ઓછા રૂપિયાની બીડ કરી હશે તેને સર્વેનું કામ સોંપવામાં આવશે. કંપનીએ 540 દિવસમાં ડીપીઆર તૈયાર કરીને આપવાનો રહેશે.
સૌરાષ્ટ્રથી સુરત-મુંબઈ નજીક આવી જશે આ પ્રોજેક્ટથી સૌરાષ્ટ્ર અને સુરત તથા મુંબઈ સુધીનું અંતર ઘટી જશે. હાલ સૌરાષ્ટ્રથી સુરત જવું હોય તો વાયા બગોદરા કે વડોદરા થઈને જવું પડે છે. આ રૂટ પર જામનગથી સુરત સુધીનું અંતર અંદાજે 527 કિલોમીટર જેટલું થાય છે. હવે જો નવો જામનગર-ભાવનગર-ભરૂચ એક્સપ્રેસવે બની જશે તો જામનગર અને સુરત વચ્ચેનું અંતર ઘટીને 392 કિલોમીટર થઈ જશે. એ જ રીતે રાજકોટથી સુરત વચ્ચે હાલ અંદાજે 436 કિમીનું અંતર છે, એ 117 કિમી ઘટીને 319 કિમી જેટલું રહી જશે. જ્યારે સોમનાથથી વાયા વડોદરા થઈને સુરત જતા હાલ 627 કિમી અંતર થાય છે, એ 215 કિમી ઘટીને માત્ર 412 કિમી જેટલું જઈ જશે.
ભાવનગરથી સુરત માત્ર 2 કલાકમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ફાયદો ભાવનગરને થશે, કેમ કે ભાવનગરથી સુરત જવા માટે હાલ બહુ ફરીને જવું પડે છે અને 357 કિમી જેટલું અંતર થાય છે. જો નવો એક્સપ્રેસ બની જશે અને દરિયામાં 30 કિમી લાંબો બ્રિજ બની જશે તો ભાવનગરથી 1 કલાકમાં સીધું ભરૂચ પહોંચી શકાશે. તેમજ ભાવનગરથી સુરતનું અંતર 243 કિમી ઘટી જશે. બંને શહેર વચ્ચે માત્ર 114 કિમીનું અંતર રહેશે, જે કાપતા બે કલાકનો સમય પણ નહીં લાગે. અંતર ઘટી જવાથી વાહનોના ઇંઘણના ખર્ચમાં અબજો રૂપિયાની બચત થશે. આ ઉપરાંત વાહનોનો ધુમાડો બંધ થતાં પર્યાવરણને પણ ફાયદો થશે.
દેશનો સૌથી લાંબો બ્રિજ હશે જો બધું સમુંસૂતરું ઊતરી જાય અને પ્રોજેક્ટ અમલી બની જાય તો ગુજરાતમાં દેશનો સૌથી લાંબો બ્રિજ બનશે. ભાવનગરથી ભરૂચ સુધી દરિયામાં 30 કિમી લાંબો બ્રિજ બનાવવામાં આવશે. હાલ મુંબઈનો અટલ સેતુ દેશનો સૌથી લાંબો બ્રિજ છે, જેની લંબાઈ 21.8 કિમીની છે. એનાથી ભાવનગરથી ભરૂચ વચ્ચેનો બ્રિજ અંદાજે 8 કિમી વધુ લાંબો હશે. આ સાથે દરિયા પરનો આ બ્રિજ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે અને અનોખા રોમાંચનો અનુભવ કરાવશે.
ક્યારે શરૂ થઈ શકે કામ? ડીપીઆર (ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ) માટેની કંપનીની પસંદગી થયા બાદ એનું વર્ષ 2025ના મધ્યભાગમાં કામ શરૂ કરશે. એ આ સંભવિત પ્રોજેક્ટની તમામ ડિટેલ્ડ એકઠી કરશે, જેમ કે કેવો રોડ બનાવવો, રોડ ક્યાંથી પસાર થશે, કેટલા અને કેવા પ્રકારના બ્રિજ અને અંડરપાસ બનશે, ડિઝાઈન કેવી હશે, કઈ ટેક્નોલોજીનો ઉપયોગ કરવો, કેટલી સરકારી અને ખાનગી જમીનનું અધિગ્રહણ કરવું પડશે. આ ઉપરાંત રોડની ડ્રેનેજ સિસ્ટમ, લેન્ડ સ્કેપિંગ, પાર્કિંગ એરિયા, પર્યાવરણીય બાબતો સહિતની બાબતનો સમાવેશ કરવામાં આવશે. વર્ષ 2026ના અંતમાં આ ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થાય એવી શક્યતા જોવાઈ રહી છે. ત્યાર બાદ રોડ બનાવવા માટેના કોન્ટ્રેક્ટ આપવાના ટેન્ડર બહાર પાડવામાં આવશે. એ બાદ રોડ બનાવવાનું વાસ્તવિક કામ શરૂ થશે.
કલ્પસર યોજનામાં ખંભાતના અખાતમાં બ્રિજ બનવાનો હતો એનું શું થશે? ખંભાતના અખાતમાં બ્રિજ બનાવવાની વાત આમ તો નવી નથી. ગુજરાતના બહુ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કલ્પસર યોજનામાં પણ દરિયામાં રસ્તો બનાવવાની પરિકલ્પના કરવામાં આવી હતી. એમાં ખંભાતના અખાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતો 30 કિમી લાંબો કલ્પસર ડેમ બનાવવાની વાત હતી. આ ડેમનું નિર્માણ કરી એમાં મીઠા પાણીનો સંગ્રહ કરી એનો વીજ ઉત્પાદન, સિંચાઈ, ઔદ્યોગિક કરનો અને પીવા માટે શુદ્ધ પાણી માટેનો પ્લાન હતો. આ ડેમ પર જ વાહન માટે રોડ બનાવવાની યોજના હતી. કલ્પસર યોજનામાં 22 જાન્યુઆરી, 2003થી રૂ. 84 કરોડની મંજૂરી સાથે કામગીરી હાથ ધરવાની જાહેરાત કરવામાં આવી હતી. 21 વર્ષ બાદ પણ 29 અભ્યાસ થયા પછી પણ હજુ યોજના ઠેરની ઠેર છે. અત્યાર સુધી રિસર્ચના નામે 200 કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રાલયે ભાવનગર-ભરૂચ વચ્ચે બ્રિજ બનાવવાની કવાયત શરૂ કરતાં સૌરાષ્ટ્રવાસીઓને નવી આશા બંધાઈ છે તેમજ કલ્પસર યોજનાના બદલે આ નવો પ્રોજેક્ટ જ હવે અમલી બનશે એવું લાગી રહ્યું છે.
કલ્પસર યોજના કાગળ પર જ રહી ગઈ છે. રિસર્ચના નામે 200 કરોડથી વધુનો ખર્ચ થઈ ચૂક્યો છે
હજીરા-ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસનું શું થશે? ઓક્ટોબર 2017માં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી હજીરા-ઘોઘા વચ્ચે ફેરી સર્વિસ શરૂ કરવામાં આવી હતી, જેમાં મોટી બોટમાં માણસોની સાથે વાહનોની અવરજવર શરૂ કરવામાં આવી હતી. એમાં સમયાંતરે અનેક અડચણો આવતાં અનેકવાર સર્વિસ બંધ કરવી પડી હતી. હાલ Voyage Express અને Voyage Symphony એમ બે શિપ દ્વારા ટ્રિપ મારવામાં આવી રહી છે. જો હવે ભાવનગર-ભરૂચ વચ્ચે નવો એક્સપ્રેસવે બની જશે તો હજીરા-ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ સામે પણ પ્રશ્નાર્થ ઊભા થઈ શકે છે. ધોલેરા અને દહેજ નજીક આવશે, સેમીકન્ડક્ટર હબને ફાયદો થશે ગુજરાતના અન્ય બહુચર્ચિત પ્રોજેક્ટ ધોલેરા સરને આ નવા એક્સપ્રેસ વેનો મોટો ફાયદો થઈ શકે છે. ધોલેરાથી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્ર દહેજ અને અંકલેશ્વરનું અંતર પણ સાવ ઘટી જશે, એટલે ત્રણે ઔદ્યોગિક કેન્દ્ર એકબીજાની સાવ નજીક આવી જશે. એનો ભૌગલિક અને આર્થિક ફાયદો થઈ શકે છે. આ સિવાય ગુજરાતના સેમીકન્ડક્ટર હબ બનવાના પ્લાનને પણ ગતિ મળી શકે છે. કેમ કે ધોલેરામાં સેમીકન્ડક્ટર બનાવતી કંપનીઓ તેના પ્લાન્ટ સ્થાપી રહી છે. જ્યારે બીજી તરફ તેને લગતા જરૂરી કેમિકલ અને ગેસ દહેજમાં બની રહ્યા છે. જો ધોલેરા અને દહેજનું અંતર ઘટશે તો આખા સેમીકન્ડક્ટર હબને તેનો ફાયદો થઈ શકે છે.
ભરૂચ માટે વિકાસના સોર્સ ખૂલી જશે: સાંસદ વસાવા આ પ્રોજેક્ટની કામગીરી કેન્દ્ર સરકારના લેવલથી થઈ રહી છે. ગુજરાતના મોટાભાગના સ્થાનિક નેતાઓ અજાણ હતા. આ અંગે દિવ્ય ભાસ્કરે ભરુચના સાંસદ મનસુખભાઈ વસાવા સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું, ભરૂચથી ભાવનગર હાઈવે બનાવવાની વિચારણા છે. આ માટે પ્રોજેક્ટની બીડ મંગાવવામાં આવ્યાનું મારા ધ્યાને છે. હાઇવે બને તો વિકાસના ઘણા સોર્સ ભરૂચ માટે ખુલી જાય એમ છે. બાકી આ બાબતે સત્તાવાર હજુ હું કહી ના શકું.