Updated: Dec 31st, 2023
જામનગર, તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામના પાટિયા પાસે કપાસ ભરેલો એક ટ્રક એકાએક પલટી ખાઈ જતાં ટ્રકમાં બેઠેલા પાંચ મજૂરોને નાની મોટી ઈજા થઈ હતી. જે અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના છતર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહેલો જી.જે.-11- ડબલ્યુ 3512 નંબરનો ટ્રક એકાએક પલટી મારી ગયો હતો. જે ટ્રકમાં કપાસનો જથ્થો ભરેલો હતો અને તેના પર પાંચ શ્રમિક બેઠેલા હતા.
જેમાં કિશોરભાઈ નાથાભાઈ વાઘેલા નામના નાગપુર ગામના 28 વર્ષના યુવાનને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી, ઉપરાંત તેની સાથે અન્ય ચાર મજૂરોને સામાન્ય ઈજા થઈ હતી.
જે અકસ્માતના બનાવ અંગે કિશોરભાઈ વાઘેલાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રકના ચાલક લખમણભાઇ જીવાભાઈ મકવાણા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.