Updated: Dec 15th, 2023
મહી કેનાલ પાસે એસએમસીનો દરોડો
૧.૨૨ લાખનો મુદ્દામાલ ઝડપી બે શખ્સો સામે ગુનો નોંધાવ્યો
નડિયાદ: સ્ટેટ મોનેટરિંગ સેલ, ગાંધીનગરની ટીમે કેરીયાવી આનંદપુરાના શખ્સને વિદેશી દારૂની ૩૨૬ બોટલ સહિત કુલ રૂ. ૧.૨૨ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર ફરાર હોવાનું જાણવા મળેલ છે. આ અંગે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની પોલીસ ટીમ પીપલગ ચોકડી પરથી પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે કેરીયાવી આનંદપુરામાં રહેતો પ્રવીણ ઉર્ફ લોટીઓ કાંતિભાઈ સોલંકી મહી કેનાલ પાસે સોળ હજારના ગરનાલા પાસે તેના મળતિયા માણસો રાખી એક્સેસની ડેકીમાં વિદેશી દારૂની બોટલ રાખી છૂટક વેચાણ કરે છે. જેથી પોલીસે રેઇડ કરતા એક્સેસ સાથે ઉભેલા શખ્સની પૂછપરછ કરતા ભાવિન ઉર્ફ પપ્પુ હિંમત સોલંકી (રહે. આનંદપૂરા કેરિયાવી) હોવાનું જણાવ્યું હતું. તેની પૂછપરછ કરતા આનંદપૂરા ખાતે પ્રવીણ ઉર્ફ લોટીયા કાંતિભાઈ સોલંકીના ઘરમાંથી તલાસી લેતા વિદેશી દારૂની બોટલો તથા બીયર ટીન મળી કુલ રૂ. ૬૫,૧૨૦ નો જથ્થો મળી આવ્યો હતો પરંતુ આ બુટલેગર મળી આવ્યો નહતો. પ્રવીણ ઉર્ફે લોટીયો બે વર્ષથી ભાવિન ઉર્ફ પપ્પુને વિદેશી દારૂ વેચવા માટે રૂ. ૫૦૦ પગાર આપતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે એક્સેસ, મોબાઇલ તથા રોકડા રૂ. ૨,૭૦૦ મળી કુલ રૂ. ૧,૨૨,૮૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે નડિયાદ રૂરલ પોલીસે ભાવિન ઉર્ફ પપ્પુ હિંમતભાઈ સોલંકી તેમજ પ્રવીણ ઉર્ફ લોટીયો કાંતિભાઈ સોલંકી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.