Gujarat Crime: ખેડા-અમદાવાદ હાઈવે પર મંગળવારે (21 જાન્યુઆરી) 1 કરોડની લૂંટ થઈ હતી. હાલ, ગુજરાત પોલીસે લૂંટ કરનાર ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા રાહિદ સૈયદ, મુજિબ મલેક અને ઇલ્યાસ મન્સૂરીની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક, કાર સહિત 68 લાખની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. જોકે, હજુ પણ પાંચ આરોપી ફરાર છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ ખેડા અમદાવાદ હાઈવે પર એક કરોડની લૂંટ, વડાલા-પાટિયા નજીકના બ્રિજ પરની ઘટના
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર મુદ્દે ખેડા જિલ્લા પોલીસવડા રાજેશ ગઢિયાએ જણાવ્યું કે, ‘અન્ય આરોપીમાં રાહિદ સૈયદની પત્ની પણ આ લૂંટમાં સામેલ છે. ઈકો ગાડીની અંદર જે ચાર લોકો આવ્યા હતાં, તેમાંથી ત્રણના નામ પોલીસને મળી ગયાં છે. જેની પોલીસ ટીમ તપાસ કરી રહી છે. આ સિવાય અન્ય એક નામ વિશે માહિતી મળી નથી જેની તપાસ હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અન્ય પાંચ આરોપીને પણ ઝડપી લેવામાં આવશે.’
આ પણ વાંચોઃ ખેડામાં નીલગાયના કારણે ફરી સર્જાયો અકસ્માત, પોલીસકર્મી સહિત 2ના ઘટના સ્થળે જ મોત
શું હતી સમગ્ર ઘટના?
ખેડાના વડાલા નજીકના બ્રિજ પર (21 જાન્યુઆરી) કારમાં આવેલા શખસોએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ અનાજના વેપારી પાસેથી 1 કરોડ રૂપિયા જેટલી રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. વેપારી નડીયાદ બેંકમાંથી રૂપિયા ઉપાડીને રીક્ષામાં બેસીને અમદાવાદ જઈ રહ્યા હતા. આ દરમિયાન લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઈકો કારમાં આવેલા ચાર શખસો લૂંટ ચલાવી હતી.