આજથી નવરાત્રિનો શુભારંભ થયો છે એટલે વહેલી પરોઢ સુધી શહેરના વિવિધ પાર્ટીપ્લોટ, ક્લબ, સોસાયટી, શેરીઓમાં ગરબા થવાના છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે માઇક્રો લેવલની તમામ તૈયારીઓ કરી દીધી છે. પોલીસ આજથી નવ દિવસ સુધી એલર્ટ મોડ પર છે અન
.
પોલીસે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી દીધું છે આજે પહેલું નોરતું છે અને ખૈલેયાઓથી ગરબાનાં ગ્રાઉન્ડ ઉભરાઈ જશે. ત્યારે તેમની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે. શહેરની તમામ પોલીસ આજથી ગરબાના ગ્રાઉન્ડ તેમજ રસ્તા ઉપર સ્ટેન્ડબાય થઈ જવાની છે અને કોઈ બનાવ ન બને તેનું પૂરતુ ધ્યાન રાખવાની છે. નવરાત્રિના નવ દિવસ સુધી પોલીસ આખી રાત પેટ્રોલિંગ કરશે અને મુસીબતમાં ફસાયેલા લોકોની મદદે આવશે. આ સિવાય તોફાની તત્વોનો કંટ્રોલ કરવાનું પણ કામ કરશે. ગરબામાં દરમિયાનમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે માઇક્રો લેવલનું પ્લાનિંગ કરી દીધું છે. પોલીસ સ્પેશિયલ ટીમો બનાવી દીધી છે અને તેમને અલગ અલગ ટાસ્ક આપી દીધા છે. દારૂડિયાઓને પકડવા, રોમિયોને પકડવા તેમજ તોફાન મચાવતા નબીરાઓને ઝડપી લેવા જેવા અનેક ટાસ્ક ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોલીસ કર્મચારીઓને આપી દેવાયા છે. રાતથી પોલીસની શી ટીમ ટ્રેડિશનલ કપડા પહેરીને ગરબે ઘૂમશે અને રોમીયોગીરી કરતા તત્વો ઉપર નજર રાખશે. પોલીસે ખાસ એક્શન પ્લાન બનાવી દીધો છે. જેમાં કોઈ પણ ગુનેગારો નફ્ફટાઇ કરશે તો તેની સીધી અટકાયત કરવામાં આવશે.
ફક્ત મુસીબતમાં ફસાયેલી મહિલાઓ માટે પોલીસ મદદ આવશે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજ નેતા હાજરી આપવાના છે. ત્યારે ઠેર ઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મુશ્કેલીમાં ફસાયેલી મહિલાઓની પોલીસ જરૂર મદદ કરશે. જો મહિલા ફસાઈ હોય અને ઘરે જવામાં તકલીફ થતી હોય તો તેમને પોતાના ઘરે જવું હોય તો પોલીસ તેમના વાહનમાં બેસાડીને લઈ જશે. સેક્ટર 1ના જોઇન્ટ પોલીસ કમિશ્નર નિરજ બડગુજરે જણાવ્યુ છે કે, દરેક પોલીસ સ્ટેશનને ફળવાયેલી ગાડી સતત પેટ્રોલિંગ કરશે. જો કોઈ યુવતી કે મહિલા મુસીબતમાં ફસાઈ હોય અને તેને ઘરે જવું હોય તો તે પોલીસ કંટ્રોલ નંબર 100 ઉપર ફોન કરશે તો પોલીસ તુરંત જ તેમની મદદ માટે પહોંચી જશે. ફક્ત મુસીબતમાં ફસાયેલી મહિલાઓ માટે પોલીસ મદદ આવશે.
પોલીસે નવરાત્રીમાં ટેકનોલોજી ઉપર વધુ ભાર મુક્યો છે પોલીસ હાઇટેક બની છે ત્યારે આ નવરાત્રિમાં ટેક્નોલોજી ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે. પહેલી વખત જીએમડીસી ગ્રાઉન્ડ સહિતના ગરબા ગ્રાઉન્ડમાં 100થી વધુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા લગાવવામાં આવ્યા છે. જેમાં 30 હજારથી વધુ ગુનેગારોનો ડેટા છે. જો કોઈ ગુનેગાર ગરબામાં એન્ટ્રી કરશે તો પોલીસને તુરંત જ જાણ થઈ જશે. આ સિવાય ડ્રોન કેમેરાની મદદથી ગરબાનું સર્વેલન્સ રાખવામાં આવશે. પોલીસ બોડી વોર્ન કેમેરા પહેરીને સજ્જ રહે છે. જેથી કોઇપણ ઘટના તુરંત જ કેદ થઈ જાય. આ સાથે કોઈ પણ યુવક નશો કરીને ગરબાના ગ્રાઉન્ડમાં આવે નહીં તે માટે પોલીસ તેમની પાસે બ્રેથ એનેલાઇઝ પણ રાખશે. ટેક્નોલોજીની મદદથી પોલીસ તોફાની તત્વોને કેટલીક હદ સુધી કંટ્રોલ કરી શકશે.
સ્ટંટબાજ અને બાઇકર્સને પોલીસ ઝડપી લેશે વહેલી પરોઢ સુધી પોલીસ ઠેર ઠેર બંદોબસ્ત કરશે અને તોફાની તત્વોને ઝડપી પાડશે. ટ્રાફિક પોલીસ પણ તેમની ટીમ સાથે મેદાનમાં ઉતરશે અને સ્ટંટબાજ તેમજ બાઇકર્સ સહિતના લોકોને ઝડપી પાડવાનું કામ કરશે. આ ઉપરાંત બ્રેથ એલાઈઝરથી પણ દારૂ પીધેલાને પકડવામાં આવશે.