પાટણ શહેરના હરિપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટર માટે નવા પમ્પિંગ સ્ટેશનની સ્થાપના થશે. આ માટે સરકારે 200 ચોરસ મીટરની જમીન ફાળવી છે. જમીનનો કબજો પાટણ નગરપાલિકા મારફતે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી)ને સોંપવામાં આવશે.
.
આ જમીન ચાણસ્મા હાઈવે પર ઉત્તર ગુજરાત વીજ કંપનીની કચેરી સામે આવેલી નારી હોસ્પિટલની પાછળ સ્થિત છે. તે રેલ્વે નાળાની પશ્ચિમ બાજુએ આવેલી છે. પાટણ નગરપાલિકાએ આ જમીન માટે સરકારમાં જરૂરી રકમ જમા કરાવી દીધી છે.
જમીનનો કબજો લેવા માટે લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયર નિરજભાઈ પટેલ અને ચિરાગભાઈ રાવલની હાજરીમાં ખૂંટા મારવામાં આવ્યા. આ પ્રક્રિયા દરમિયાન ગુંગડીપાટી કરબા તલાટી અને નગરપાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયર કિર્તીભાઈ પટેલ પણ હાજર રહ્યા.
હાઈડ્રોલિક એન્જિનિયર કિર્તીભાઈ પટેલના જણાવ્યા મુજબ, આ પ્રોજેક્ટ અમૃત-2.0 યોજના અંતર્ગત હાથ ધરવામાં આવી રહ્યો છે. નવું પમ્પિંગ સ્ટેશન બનવાથી રેલ્વે નાળામાં ભરાતા પાણીની સમસ્યા હલ થશે. હાલમાં નિર્મળનગર રોડ પર ભરાતા ગંદા પાણીનો નિકાલ પણ આ પમ્પિંગ સ્ટેશન મારફતે થશે. આ સાથે હરિપુરા અને રામનગર વિસ્તારના ભૂગર્ભ પાણીનું પણ આ સ્ટેશન દ્વારા વ્યવસ્થાપન કરવામાં આવશે.