જૂનાગઢ એલસીબીએ સંજયનગર વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે. પોલીસે હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇના પડતર મકાનમાંથી વિદેશી દારૂની 1209 બોટલ અને ટીન જપ્ત કર્યા છે. આ દારૂનો જથ્થો 3.98 લાખ રૂપિયાની કિંમતનો છે.
.
પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજાડીયા અને પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર જે.જે. પટેલની ટીમને બાતમી મળી હતી કે સંજયનગરમાં રહેતો હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇએ ગ્રોફેડ ફાટક પાસે આવેલ વાલ્મીકીવાસમાં દારૂનો જથ્થો સંતાડ્યો છે.
બાતમીના આધારે પોલીસે રેઇડ કરી અને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપી હિરો ઉર્ફે ડગી પુંજાભાઇ ભારાઇ હાલ ફરાર છે. તેની સામે અગાઉ પણ પ્રોહિબિશન અને હત્યાના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. જે.જે.પટેલ, એ.એસ.આઇ. નિકુલ પટેલ સહિત પોલીસ સ્ટાફના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
