ગીર સોમનાથમાં સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીમાંથી મુક્તિ મળી છે. સોમનાથ મંદિરની નજીકના રહેણાંક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાના ધામા હતા. સ્થાનિક લોકોએ આ અંગે વન વિભાગમાં વારંવાર ફરિયાદ નોંધાવી હતી.
.
વન વિભાગે ગઈકાલે જુના મ્યુઝિયમની નજીક પાંજરું ગોઠવ્યું હતું. આજે વહેલી સવારે એક માદા દીપડી આ પાંજરામાં પકડાઈ ગઈ હતી. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પકડાયેલી દીપડી 3થી 5 વર્ષની ઉંમરની છે.
દીપડીને રેસ્ક્યૂ કરીને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. દીપડીના પકડાવાથી સ્થાનિક રહેવાસીઓ અને વન વિભાગના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. આ વિસ્તારમાં લાંબા સમયથી દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ હતો, જે હવે દૂર થયો છે.


