પરપ્રાંતમાંથી મોટાપાયે ગુજરાતમાં ભારતીય બનાવટનો ઇગ્લીંશ દારૂ ઠાલવવાનો સિલસિલો યથાવત છે. કર્ણાટકના હુબલીથી અમદાવાદ રવાના કરાયેલા 22 લાખના ઇંગ્લીશ દારૂ ભરેલા આઇસરને જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે કરજણ નજીકથી ઝડપી પાડી ચાલકની ધરપકડ માલ મોકલનારને વોન્ટેડ જા
.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, એલસીબીની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભૂપતભાઇ અને કોન્સ્ટેબલ વિનોદસિંહને સંયુક્ત રીતે બાતમી મળી કે, એક બંધ બોડીનો આઇસર ટેમ્પો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી આવી રહ્યો છે. બાતમીના આધારે હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જવાના રસ્તે વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બાતમીવાળો કર્ણાટક પાર્સિંગની આઇસર ટ્રક જણાઇ આવતા તેને કોર્ડન કરીને તેને રોકવામાં આવ્યો હતો.

પીઆઇ કૃણાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આઇસરમાં એક માત્ર ચાલક મળી આવ્યો હતો. તેનું નામ અશોકકુમાર ભગવાનરામજી ખીલેરી (બિશ્નોઇ) (રહે. ધોરીમના, અજાણી ચોરી ઢાણી, બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ આઇસરમાં તપાસ કરતા 531 નંગ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેની કિંમત રૂ. 22 લાખ આંકવામાં આવી રહી છે. આ સાથે જ પોલીસે ટેમ્પો, મોબાઇલ અને જીપીઆરએસ ડિવાઇઝ જપ્ત કર્યા છે. જે તમામ મળીને કુલ. રૂ. 32.07 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં પ્રોહીબીશનનો કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી ચાલકની એલસીબી દ્વારા કડકાઇ પૂર્વક પુછપરછ કરવામાં આવતા તેણે જણાવ્યું કે, પુનારામ ધોકલારામ ગોદારાએ કર્ણાટક હુબલીના કિષ્ણાભાઇ નામના વ્યક્તિનો સંપર્ક કરાવીને કર્ણાટકના હુબલી હાઇવે પરથી આઇસર ગાડી આપી હતી. અને મનોહરલાલને રસ્તો બતાવીને અમદાવાદ ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. જો કે, દારૂનો જંગી જથ્થો તેના ડિલીવરીના ડેસ્ટીનેશન સુધી પહોંતે તે પહેલા જ એલસીબી દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. તેમ પીઆઇએ વધુમાં જણાવ્યું હતું.