આણંદ જિલ્લા પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બેડવા ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નજીક 36.82 લાખની કિંમતની વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે.
.
આ કાર્યવાહી આણંદ ડિવિઝન હસ્તકના વિવિધ પોલીસ સ્ટેશનો અને આણંદ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક જી.જી. જસાણીની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નાશ કરવાની કાર્યવાહી માટે સંબંધિત કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ડૉ. મયુર પરમાર, નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલ અને જિલ્લા નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક ડી.જે. વાનાણી હાજર રહ્યા હતા.

કુલ 19,545 બોટલો જે વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની હતી, તેના પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી 2024-25ના વર્ષ દરમિયાન જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર કરવામાં આવી છે.

