ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલી અંબિકા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનનું કામકાજ કર્યા બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેને લઈને સ્થાનિકોમાં પાલિકા સામે આક્રોશ ફેલાયો છે.
.
ગટરની કામગીરી કરાયા બાદ સમારકામ નહીં કરાયુ ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઈન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નહીં હોવાના લોકો દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે. આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર ત્રણમાં આવેલી અંબિકા નગરમાં પણ જોવા મળી રહી છે. અંબિકા નગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યાં છે પરંતુ અહીં પણ ગટર લાઈનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
વારંવાર પાલિકામાં રજૂઆત કરાઈ હતી આ અંગે સ્થાનિક છાયાબેને જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા ગટરની કામગીરી બાદ અંદર લગાવેલાં પથ્થરો ઉખાડી કાઢ્યા બાદ તે લગાવ્યાં પણ ન હોય લોકોને ભારે તકલીફો વેઠવી પડે છે. આ અંગે વારંવાર નગરસેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ કરવામાં આવી છે.