Lok Sabha Elections 2024 : જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પર લોકસભા ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી છે. આ સાથે જ આ બેઠકો પર નવા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. રંજનબેન ભટ્ટની પીછેહઠ બાદ હવે નવા ઉમેદવારોને લઇને પણ ચર્ચાઓ શરૂ થઇ છે. તેવામાં હવે ભાજપ રંજનબેન ભટ્ટની જગ્યાએ ડૉ.જ્યોતિબેનને ટિકિટ આપશે કે પછી અન્ય કોઇ નવા ચહેરાને તક આપશે તે આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.
કેતન ઈનામદાર દિલ્હી જશે
વડોદરામાં રાજકીય ગરમાવા વચ્ચે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે. રંજન ભટ્ટની ચૂંટણી ન લડવાની જાહેરાત બાદ કેતન ઈનામદારે દિલ્હી જવાનો નિર્ણય લીધો છે. જોકે, તેમના દિલ્હી જવા અંગેનું કોઈ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
વડોદરા લોકસભા બેઠક માટે કોને મળી શકે છે ટિકિટ?
• ગાર્ગી દવે
• મેયર પિન્કીબેન સોની
• શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ
• પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
• દંડક બાળકૃષ્ણ શુક્લ
• પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર
• પૂર્વ મેયર ડો. જ્યોતિબેન પંડ્યા
• સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રી
• હેનાબેન ભૂપેન્દ્ર લાખાવાલા
• સુરેશ ધૂળાભાઈ પટેલ
• શબ્દશરણ બ્રહ્મભટ્ટ
• કેતન ઈનામદાર
વડોદરા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો
વડોદરાની બેઠક પર રંજનબેન ભટ્ટને સતત ત્રીજી વખત ટિકિટ મળતા વડોદરા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો. ડૉ.જ્યોતિબેન પંડ્યાએ રંજનબેનને ટિકિટ મળવા પર ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારબાદ ભાજપ દ્વારા ડૉ.જ્યોતિબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો વડોદરા જિલ્લાના સાવલીના ભાજપ ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. આમ, એક વિવાદનો અંત આવે તે પહેલા જ બીજો વિવાદ સર્જાયો હતો. જોકે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે બેઠક બાદ તેમણે રાજીનામું પરત ખેંચ્યું હતું. બીજી તરફ વડોદરા ભાજપ દ્વારા રંજનબેનનો સતત વિરોધ વધતા અંતે ખુદ રંજનબેને લોકસભા ચૂંટણી લડવાની ના પાડી દીધી. રંજનબેને કહ્યું કે, ‘હું અંગત કારણોસર લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.’ મહત્વનું છે કે, છેલ્લા 10 દિવસથી રંજનબેન વિરૂદ્ધમાં શહેર અને જિલ્લામાં પૉસ્ટર વૉર અને શાબ્દિક પ્રહારો શરૂ થયા હતા, જે પછી રંજનબેન ભટ્ટે આજે ચૂંટણી મેદાનમાંથી પીછેહઠ કરી છે.