મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આજે સવારથી જ શિવભક્તિનો માહોલ જામ્યો હતો. શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા તમામ શિવ મંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ ઉમટી હતી.
.
શહેરના પ્રાચીન રામનાથ મહાદેવ, ખામનાથ મહાદેવ અને જડેશ્વર મહાદેવ સહિતના મંદિરોમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી. ભક્તોએ જળ, દૂધ, બિલ્વપત્ર અને પુષ્પો સાથે શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
ખામનાથ મહાદેવ મંદિર પરિસરમાં આવેલા કાશી વિશ્વનાથ, હાટકેશ્વર અને ઝારખંડી મહાદેવ સહિત આઠ મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કાલભૈરવ, ચંડભૈરવ અને ગાયત્રી માતાના મંદિરોમાં પણ ભક્તોએ દર્શન કર્યા હતા.

શહેરના મોટાભાગના મંદિરોમાં સવારથી રાત સુધી ચાર પ્રહરની આરતી યોજાઈ હતી. વિશેષ દીપમાળા અને શૃંગારના દર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા મંદિરોમાં ભક્તોને ભાંગનો પ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો.

વડત્રા ગામના ધીંગેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરે પરંપરાગત રીતે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી. અહીં ગ્રામજનો દ્વારા લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવભક્તો દ્વારા પરંપરાગત શિવ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.