Vadodara : વડોદરા શહેરમાં થોડા દિવસ અગાઉ આર.વી.દેસાઈ રોડ ખાતે “ઓ સ્ત્રી ખંડેરાવ તાલાબ પે કબજા મત કરના”તેવા બેનરો ચર્ચાનું કેન્દ્ર રહ્યા બાદ હવે ફરી એક વખત પુષ્પા પિક્ચરની ઇફેક્ટની લોકમાનસ પર પડેલી અસર ખંડેરાવ તળાવ પુનર્જીવિત કરવા લડત આપતી મહિલા પર પડી છે. તેઓએ પુષ્પા પિક્ચરના ડાયલોગ “જબ તક ઐતિહાસિક ખંડેરાવ તળાવ વાપસ સે જિંદા નહીં હોગા તબ તક રુકેગા નહીં સાલા” તેવા બેનરો લાગતા ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ ઐતિહાસિક તળાવને પુનર્જીવિત કરવા 26મી જાન્યુઆરીના રોજ મહાયજ્ઞનું આયોજન પણ કરાયું છે.
વડોદરા આર.વી.દેસાઈ રોડની સોસાયટીમાં રહેતા સ્મૃતિબેન ભુપેન્દ્રભાઈ પટેલ છેલ્લા કેટલાક સમયથી ખંડેરાવ તળાવ પુનર્જીવિત કરવા લડત આપી રહ્યા છે. શહેરમાં જયરત્ન બિલ્ડીંગથી સત્યકૃપા સર્કલ વચ્ચે આવેલ ગાયકવાડી શાસનના ખંડેરાવ તળાવમાં કાયદાની આંટીઘૂટી વચ્ચે સોસાયટીના મેમ્બરો દ્વારા જ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ઐતિહાસિક ખંડેરાવ તળાવનું પુરાણ કર્યું છે. સરકાર નવા તળાવો બનાવવાની વાતો કરી રહી છે પરંતુ ઐતિહાસિક તળાવોની જાળવણી થઈ રહી નથી. આ મામલે તટસ્થ તપાસ થાય અને કોઈ પણ ચમરબંધી હોય તેને છોડવામાં આવે નહીં. આ વિસ્તારમાં ચોમાસાના સમયે વરસાદી પાણીનો ભરાવો ન થાય તે માટે તળાવનું પુનઃખોદકામ કરવું જરૂરી છે. સોસાયટીના મેમ્બર જલ્પેશ, જ્યોત્સનાબેન, અરવિંદભાઈ સહિતના લોકોએ આ પ્રવૃત્તિ આચરતા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ બાબતની રજૂઆત કરી છે. કારણ કે, મૃતક વ્યક્તિના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરી આ ષડયંત્રને અંજામ આપવામાં આવી રહ્યો હોવાનું જણાય આવે છે.
વર્ષ 2009માં મૂળ માલિક શ્રીધર પરશુરામ સાવંતએ આ જગ્યાની પાવર ઓફ એટર્ની કરી આપી હતી. વર્ષ 2010 માં બનાવેલ દસ્તાવેજમાં કંઈક રંધાયુ હોવાનું જણાય છે. વર્ષ 2011માં મૂળ માલિકનું અવસાન થયું છે. સરકારી કર્મચારી અધિકારીઓએ ખરાઈ વગર પરવાનગીઓ આપી છે. તળાવમાં પુરાણ થઈ જતા માત્ર બે ઇંચ વરસાદમાં આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. તળાવ ઊંડું કરવામાં નહીં આવે તો દર વર્ષે આ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થશે. વધુમાં જણાવ્યું હતું કે, મહારાજાની જમીન દર્શાવી છેતરપિંડી આચરી છે. સીટી સર્વે નંબર 21, ટીકા નંબર 27/24 જેનું કુલ ક્ષેત્રફળ 26375 ચોરસ મીટર છે તે પૈકી ફક્ત 7896.41.47 ચોરસ મીટર વાળી જમીન દર્શાવી ગેરકાયદેસર રીતે સીટી સર્વે નંબર 21માં પોતાના નામો સામેલ કર્યા છે. આ તળાવમાં પુરાણથી આસપાસના મહેબુબપુરા, નવાપુરા, જયરત્ન બિલ્ડીંગ, આર.વી.દેસાઈ રોડના આશરે 50 હજારથી વધુ ઘરો, સોસાયટી, કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે. તદુપરાંત શક્તિ કૃપા સોસાયટીમાં આવેલા બ્લોક નંબર 16 ,17 અને 18 જે મકાનોનું ગેરકાયદેસર નિર્માણ કર્યું છે.
ઐતિહાસિક તળાવને પુનર્જીવિત કરવા 26મી જાન્યુઆરીના રોજ મહાયજ્ઞનું આયોજન
“જબ તક ઐતિહાસિક ખંડેરાવ તળાવ વાપસ સે જિંદા નહીં હોગા તબ તક રુકેગા નહીં સાલા” તેવા બેનરોમાં તળાવની જમીન અંગેની માહિતી રજૂ કરી ઐતિહાસિક તળાવને પુનર્જીવિત કરવા 26મી જાન્યુઆરીના રોજ મહાયજ્ઞનું આયોજન પણ કરાયું છે. બેનરમાં જણાવ્યું છે કે, વર્ષ 2011માં મૃત થયેલ વ્યક્તિના પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરી ઐતિહાસિક ખંડેરાવ તળાવ પચાવવા ષડયંત્ર સામેની આ લડત છે. ગાયકવાડી સરકાર સમયના ઠરાવ બુકના પ્રકરણ મુજબ આ મિલકત ખંડેરાવની પાસે અને તેના અંગેના તમામની હોય જે સરકાર માલિકીની છે. જેથી કોઈ ઠરાવવાનું રહેતું નથી.
ગેરકાયદે દબાણ તોડવાની કાર્યવાહીનો જવાબ આપવામાં વહીવટી તંત્ર દ્વારા બાય બાય ચારણી
સમગ્ર બાબતે સ્મૃતિ ભુપેન્દ્રભાઈ પટેલએ આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગતા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ નંબર ચારની કચેરી દક્ષિણ મામલતદાર તરફથી જણાવાયું છે કે, આપ તરફથી માંગવામાં આવેલ માહિતી અત્રેના રેકોર્ડ માહિતી શૂન્ય છે. મામલતદાર કચેરી પૂર્વ તરફથી જવાબ મળ્યો છે કે, જ્યોત્સનાબેનને નોટિસ મોકલેલ હોવા બાબતે રેકર્ડ મળી આવેલ નથી. દબાણ તોડવા હુકમ હોવા છતાં કયા આધારે દબાણ તોડાયેલ નથી તે અંગે અહીં કચેરીએથી ચકાસણી કરતા કોઈ આધાર પુરાવા મળી આવેલ નથી. કલેકટર કચેરી ચીટનીશ શાખા તરફથી જણાવ્યું છે કે, વડોદરા મામલતદારે હુકમ બાબતે આગળની કાર્યવાહી કરવા જણાવેલ છે જેથી આગળની જરૂરી કાર્યવાહી માટે આ અરજી અસલમાં તબદીલ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020 દરમિયાન શક્તિ કૃપા સોસાયટીમાં રહેતા જ્યોત્સનાબેન શાહે સોસાયટીના કોમન પ્લોટ અને સરકારી જગ્યાએ પ્લોટ પાડી દબાણ કર્યું હોય તોડી પાડવા હુકમ થયો હતો. તેમ છતાં આજદિન સુધી કાર્યવાહી કરવામાં આવી નથી. મામલતદાર તેમજ કલેકટરના હુકમનું પાલન કરવા માટે જ્યોત્સનાબેનને કંઈ કંઈ નોટિસ મોકલવામાં આ આવી છે તે નોટિસ આપવી સરકારી જમીન ઉપર દબાણનો તોડવાનો હુકમ થયો હોવા છતાં આજ દિન સુધી કયા દસ્તાવેજી પુરાણા લઈને દબાણ તોડાયેલ નથી કે કેમ? તે તમામ દસ્તાવેજી પુરાવા આપવા, મામલતદાર તથા કલેકટરના હુકમનું પાલન કયા અધિકારી કરે તેનું નામ, સરનામું જણાવવા વિનંતી કરી હતી.